કથામૃત: એક નાનો બાળક ગલૂડિયું ખરીદવા માટે એક દુકાન પર પહોંચ્યો. મસ્ત મજાના ગલૂડિયાંઓ જોઈને એ આનંદમાં આવી ગયો. બધાં એક એકથી ચડે એવા સુંદર હતાં. એવું થાય કે એમને રમાડ્યા જ કરીએ, એવા મનમોહક ગલૂડિયાંઓ હતાં. બાળક આ બધાં જ ગલૂડિયાંઓને ધ્યાનથી નીહાળી રહ્યો હતો. ત્યાં એનું ધ્યાન આ બધાંથી દૂર રહેલા એક ગલૂડિયાં પર ગયું. એ બીચારું સાવ એકલું બેઠું-બેઠું આ ધમાચકડી કરતા ગલૂડિયાંઓને જોઈ રહ્યું હતું. બાળક એ ગલૂડિયાં પાસે ગયો અને ગલૂડિયાંને હાથમાં લીધું. ત્યાં તો ગલૂડિયું એને ચાટવા લાગ્યું અને એની સામે ભીની આંખે પ્રેમથી જોઈ રહ્યું. બાળક પણ ગલૂડિયાંના શરીર પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો. દુકાનના માલિકનું ધ્યાન આ તરફ ગયું એટલે એણે પોતાની જગ્યાએ બેઠા બેઠા જ બૂમ પાડી, એ ગલુડિયું વેંચવાનું નથી એને નીચે મૂકી દે. બાળકે પ્રતિપ્રશ્ન કર્યો, પણ અંકલ, તમારે આ ગલુડિયું કેમ નથી વેંચવું? માલિકે કહ્યું, ભાઈ, એ ગલુડિયું એટલા માટે નથી વેચવાનું કારણ કે એ બીજાં ગલૂડિયાંઓથી જરા જુદું છે. એને બરાબર ધ્યાનથી જો તો તને સમજાશે કે, એના જમણા પગમાં ખોટ છે.
એટલે એ બરાબર ચાલી શકતું નથી. અમે અમારા ગ્રાહકોનું ધ્યાન રાખીએ છીએ, એટલે આ ગલૂડિયાને વેચવાનું નથી. એ બસ એમ જ ખૂણામાં પોતાની રીતે રમ્યા કરશે. બાળકે કહ્યું, અંકલ, મારે તો આ જ ગલુડિયું ખરીદવું છે. હું આપને સામાન્ય ગલૂડિયા જેટલી જ કિંમત આપવા માટે તૈયાર છું. મહેરબાની કરીને મને આ ગલુડિયું વેચાતું આપો. હું એને મારી સાથે લઈ જવા માગુ છું. દુકાનદારને થયું કે આ છોકરો મૂરખ લાગે છે કે, આવા લંગડા ગલૂડિયાં માટે પૂરેપૂરી રકમ ચૂકવવા તૈયાર છે. એણે છોકરાને જ પૂછ્યું, બેટા, મને એ તો કહે કે આ ગલૂડિયા માટે તું જે કિંમત ચૂકવવા તૈયાર છે, એ જ કિંમતમાં તને સારું ગલુડિયું મળી રહ્યું છે; તો પછી આ લંગડા ગલૂડિયાને ખરીદવાનું કારણ શું ? જવાબમાં કંઈ બોલવાને બદલે છોકરાએ પોતાનું પેન્ટ ઊંચું કરીને પોતાના ડાબા પગમાં ફીટ કરેલી ધાતુની પ્લેટ બતાવી.
- Advertisement -
બોધામૃત: લોકોના હમદર્દ બનીએ ત્યારે જ એની વેદનાની ખબર પડે. આપણે આપણી આસપાસના લોકોને સહાનુભૂતિથી જોવા ટેવાયેલા છીએ. ક્યારેક હમદર્દ બનીને એકાત્મભાવે જોવાનો પ્રયાસ કરીએ, તો એમના મનોભાવો અનુભવી શકાશે. સમજવું અને અનુભવવું આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે.