પ્રથમ દિવસે ગરબા શરૂ થાય તે પહેલા 35 સ્થળે અર્વાચીન આયોજનમાં ફાયર NOC આપી દેવાઇ
અર્વાચીન રાસોત્સવમાં 22 જેટલા આયોજકને લીલી ઝંડી
- Advertisement -
8 આયોજકોને ખુટતા દસ્તાવેજો પહોંચાડવા આજની મુદત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવરાત્રી પર્વમાં કડક નિયમોને આધીન અર્વાચીન રાસોત્સવ યોજવાની સુચના અન્વયે અંતિમ દિવસ સુધી મંજુરી માટે આયોજકોમાં દોડધામ રહી હતી. નવરાત્રીની પુર્વ સંધ્યાએ 3 આયોજકોને મંજુરી આપ્યા બાદ બપોરે સુધીમાં 15ને મંજુરી અપાઇ હતી. મોડે સાંજ સુધી ચાલેલી દસ્તાવેજી ચકાસણી બાદ વધુ 7ને મંજુરીની મહોર લગાવવામાં આવી અને બાકી રહેતી અરજીઓમાં એક દિવસમાં ખુટતા દસ્તાવેજો પહોંચાડી દેવાની શરતે રાસોત્સવ ચાલુ કરવા સુચના આપી હતી.
- Advertisement -
રાજકોટમાં પ્રાચીન ગરબીઓને પણ સ્થાનિક પોલીસ મથકમાં અરજી કરવી ફરજીયાત હોય જે અન્વયે શહેરમાં 524 જેટલી પ્રાચીન ગરબી તેમજ 136 જેટલા શેરી ગરબા યોજવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. નિયમોની અંધાધુંધી વચ્ચે અર્વાચીન રાસોત્સવને મંજુરી આપવાની હોય ઇન્ચાર્જ પોલીસ કમિશ્ર્નર મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે મોટા આયોજનો માટે લાયસન્સ બ્રાંચ પાસે 31 જેટલી અરજીઓ આવી હતી. જેમાં સ્ટ્રક્ચર સ્ટેબેલીટી રીપોર્ટ, ફાયર એનઓસી, ઇમરજન્સી સર્વિસ વિથ ડોક્ટર, સીસીટીવી, સીક્યોરીટી સહીતના પુરાવાઓ અરજી સાથે જોડવા જરૂરી કરવામાં આવ્યા હતા. પોલીસ પાસે આવેલી અરજીઓ પૈકી બુધવારે 3 આયોજકોએ પોલીસે પુરતા દસ્તાવેજો હોવાથી મંજુરી આપી દીધી હતી. જ્યારે નવરાત્રીના પ્રથમ નોરતે પણ બપોર સુધીમાં વધુ 12 સહીત કુલ 15 આયોજકોને મંજુરી આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત મોડી સાંજ સુધી દસ્તાવેજી ચકાસણીની પ્રક્રિયા ચાલુ રહી હતી જેમાં વધુ 7ને મંજુરી આપવામાં આવતા કુલ આંકડો 22 સુધી પહોંચ્યો છે અન્ય બાકી રહેતા 8 આયોજકોને ખુટતા દસ્તાવેજો આજે એક દિવસમાં પહોંચાડવાની શરતે રાસોત્સવ ચાલુ કરવાની મંજુરી આપવામાં આવી હતી.
રાજકોટમાં અર્વાચીન ગરબાના આયોજકોને મહાપાલિકાએ પહેલા નોરતા સુધી ઉચાટમાં રાખ્યા બાદ ફાયર એનઓસી આપવાની કામગીરી માંડ પુરી કરી હતી. આયોજકોની દોડધામ વચ્ચે મનપાની ટીમો દ્વારા સ્થળ તપાસ કરીને રીપોર્ટ આવતા ગયા તેમ મનપા દ્વારા એનઓસી આપવામાં આવી હતી. મનપાના ફાયર વિભાગનો હવાલો સંભાળતા ડીએમસી સ્વપ્નીલ ખરેએ કહ્યું હતું કે, અમારી પાસે ગરબા મંડળની 35 અરજીઓ આવી હતી અને અમે આજ સાંજ સુધીમાં તમામનો નિકાલ કર્યો છે. અરજી કરનાર તમામને એનઓસી આપી દેવામાં આવી છે. આયોજકો પાસે જે માંગણીઓ કરવામાં આવી હતી તેના અનુસંધાને ટીમો મોકલીને ફાયર વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી અને બાદમાં એનઓસી આપવામાં આવી છે. ગરબાના સ્થળો ઉપર એસ.ઓ.પી. પ્રમાણે ફાયર સેફ્ટી રાખવામાં આવી હોવાની ચકાસણી થઇ છે અને બાદમાં જ એનઓસી આપવામાં આવી છે. પાણીના બકેટ, પાણી ભરેલા સાધનો વગેરે દરેક સ્થળોએ સુચના પ્રમાણે રખાયાનું ચેક કરાયું હતું.