પગાર અને PFની રકમ મુદ્દે મેનેજમેન્ટ અને વર્કરો વચ્ચે તકરાર
કર્મીઓએ ગતરાતે MDના ઘર બહાર ધરણાં કર્યા: વધુ 3 કર્મીએ ઝેરી પ્રવાહી પીધું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના આજી વસાહતમાં આવેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં લાંબા સમયથી કર્મચારીઓને પગાર ચૂકવાયો નથી. તેમજ પીએફની રકમ પણ કંપની દ્વારા જમા કરાવાઇ નથી. આથી કર્મચારીઓએ કેટલાક દિવસથી ધરણાં શરૂ કર્યા હતા. આમ છતાં કંપનીના સંચાલકો ટસના મસ ન થતા કંટાળેલા કર્મચારીઓએ બુધવારે ઝેરી પ્રવાહીના પારખા કર્યા હતા, બપોરે બે કર્મચારીએ કલેક્ટર કચેરીમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે રાત્રે ત્રણ કર્મચારીએ કંપનીના માલિકના ફ્લેટ નીચે ઝેરી પ્રવાહી પી લીધું હતું. આથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતા.
પોલીસે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. તેમજ ધરણાંમાં જોડાયેલા 100થી વધુ કર્મચારીઓની અટકાયત કરી તમામને કુવાડવા પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. ત્યારબાદ માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલ્વર હાઇટ્સમાં આ કંપનીના ડિરેક્ટર રહેતા હોય કર્મચારીઓ અહીં આવ્યા હતા અને ધરણા કર્યા હતા. આજી વસાહતમાં આવેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતાં કર્મચારીઓ અને કંપનીના સંચાલકો વચ્ચે 10 મહિનાથી પગાર અને પીએફની રકમના મુદ્દે તકરાર ચાલતી હતી, કંપનીના સંચાલકોએ પોતાનું જક્કી વલણ દાખવતા અંતે 20 દિવસથી કર્મચારીઓએ ધરણાં શરૂ કર્યા હતા, શરૂઆતમાં કંપનીના કેમ્પસ બહાર ધરણાં શરૂ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
ત્યારબાદ નાનામવા ચોકડી પાસે સિલ્વર હાઇટ્સમાં રહેતા કંપની સંચાલક સુરેશ સંતોકીના એપાર્ટમેન્ટની બહાર ધરણાં અને દેખાવ કરી કર્મચારીઓએ પોતાની માંગ બુલંદ કરી હતી.
રાજકોટ કલેક્ટર કચેરીમાં 2 કર્મીનો આપઘાતનો પ્રયાસ હતો
બુધવારે બપોરે દેખાવકાર કર્મચારીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ન્યાયની માગ કરી હતી, જેમાંથી બે કર્મચારીએ કલેક્ટર કચેરીમાં જ ઝેરી પ્રવાહી પી લેતા દોડધામ મચી ગઇ હતી અને પોલીસે બન્ને કર્મચારીના હાથમાંથી ઝેરી પ્રવાહીની બોટલ પડાવી લીધી હતી. જોકે બન્નેએ થોડા ઘૂંટડા પી લીધા હોય બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બબ્બે કર્મચારીઓના આપઘાતના પ્રયાસથી અન્ય કર્મચારીઓમાં ઉશ્કેરાટ ફેલાઇ ગયો હતો.



