જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.8
- Advertisement -
પોરબંદર નજીક આવેલ જાવર ગામ ખાતે એલપીજી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ સુપર ગેસ ખાતે બપોરના સમયે ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. બપોરે 11 વાગ્યા અને 33 મિનિટે ગેસ લીકેજ થવાના કારણે આગ લાગવાનો બનાવ બનતા કર્મચારીઓમાં અફડા તફડી મસી ગઈ હતી. આ ઘટના અંગે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાની ઘટના બની હોવાની જાણ ફાયર બ્રિગેડ વિભાગ, 108 એમ્બ્યુલન્સ અને જિલ્લા વહીવટી તંત્રની અલગ અલગ એજન્સીઓને કરાઇ હતી. જેથી તાત્કાલિક ધોરણે આ તમામ એજન્સીઓ ઘટના સ્થળ ખાતે આવવા માટે રવાના થઈ ગઈ હતી. અને 15 મિનિટમાં એટલે કે બપોરે 11:49 વાગ્યે ફાયર બ્રિગેડ વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો,
તુરંત જ ડિઝાસ્ટર વિભાગની ટીમ, એસઓજી પોલિસ, સુભાષનગર મરીન પોલીસની ટીમ, પીજીવીસીએલ વિભાગ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ, એસટી ડેપોની ટીમ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ તેમજ નેવીની ટીમ પણ તુરંતજ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્રની ટીમનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, અને ત્રણ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. નગરપાલિકાનું ફાયર ફાઈટર, ડિઝાસ્ટર વિભાગનું ફાયર ફાઈટર અને સૌરાષ્ટ્ર સિમેન્ટ સહિત ત્રણ ફાયર ફાઈટર સાથે 15 ફાયર વિભાગ જવાનોની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી લાગેલ આગ પર સતત દસ મિનિટ સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્રણ ફાયટરે 22 હજાર લિટર પાણીનો મારો ચલાવાયો હતો, તેમજ કંપનીના ફાયર હાઇટ્રેન્ડ સિસ્ટમ દ્વારા એક લાખ લીટર પાણીનો મારો 15 કર્મચારીઓએ સતત ચલાવ્યો હતો. આમ ત્રણ ફાયર ફાઈટર અને કંપનીના ફાયર સિસ્ટમથી સતત 30 જેટલા કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવ્યો હતો.