ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કલેક્ટર રચિત રાજની અધ્યક્ષત્તામાં જિલ્લા માર્ગ સલામતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય દેવાભાઇ માલમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેન દિનેશભાઇ ખટારિયા, મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં માર્ગ અકસ્માત નિવારવા માટે પરામર્શની સાથે જરૂરી સૂચનો કરવામાં આવ્યાં હતા. આ બેઠકમાં જૂનાગઢ જિલ્લામાં ઓળખ કરાયેલા 9 જેટલા બ્લેક સ્પોટ એટલે કે, આ સ્થળો અકસ્માતની વધુ સંભાવના રહેલી છે. ત્યારે તેને અનુલક્ષીને આ અકસ્માતના સંભંવિત સ્થળો વિશે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા.અકસ્માત નિવારવા માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓનુ સમારકામ કરવા અને મુખ્ય માર્ગો પર સતત લાઇટીંગની વ્યવસ્થા જળવાઇ રહે તેની ખાતરી કરવા માટે કલેક્ટરે સૂચના આપી હતી. સાથે જ રસ્તાઓ પર વાહન ચાલકો માટે જરૂરી યોગ્ય સિગ્નલ, લાઇટ રિફલેક્ટર લગાવવા પણ જણાવવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય ધોરી માર્ગ પરના અકસ્માતો નિવારવા માટેની જરૂરી પ્રક્રિયાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પેસેન્જર અને માલવાહન વાહનની સલામતી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.માર્ગ સલામતી માટે જનજાગૃતિને એક મહત્વનું પરિબળ ગણીને આ માટે વિશેષ સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે. ઉપરાંત શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા સલામત અને જવાબદાર ડ્રાઇવીંગ માટે માર્ગદર્શન આપવામાં આવશે.