અભદ્ર માંગ કરનારની હત્યા કરી લાશ ધોળકાની નદીમાં ફેંકી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીની પેપરમિલમાં રહી મજૂરી કરતા શ્રમિકના પત્ની પાસે એક યુવકે અભદ્ર માગણી કરી હતી. બાદમાં આ ઘટનાની જાણ પત્નીએ તેના પતિ અને ભાઇને કરતાં બન્ને રોષે ભરાયા હતા અને યુવકને ફોન કરી પોતાના ઘરે બોલાવી ત્રણેએ સાથે મળી ગળું દબાવીને તેને પતાવી દીધો હતો અને બાદમાં તેનું બાઇક કૂવામાં નાખી દીધું હતું અને લાશને છેક ધોળકા લઇ જઇ નદીમાં ફેંકી દીધી હતી. બીજી તરફ યુવક ઘરે ન આવતાં તેના પુત્રે તાલુકા પોલીસમાં ગુમશુદા નોંધાવી હતી અને પોલીસ તેની શોધમાં હતી ત્યારે એક ફોન કોલ ડિટેઇલ પરથી આખા પ્રકરણનો ભાંડાફોડ થયો હતો અને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
મોરબીના તીર્થક પેપર મિલમાં રહી મજૂરી કામ કરતા કેકડિયાભાઈ માવી નામના મજૂરે જે તે સમયે સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયાની પત્ની મેરિબાઈ પાસે અભદ્ર માગણી કરી હતી જે બાદ મેરી બાઈ અને સુરેશભાઈએ કેકડિયાભાઈને વાંકાનેરના અરણીટિંબામાં બોલાવ્યો હતો ત્યાં સુરેશભાઈ તેમજ પત્ની મેરિબાઈ અને સુરેશભાઈના સાળા મનાભાઇ લબરીયાભાઇ વસુનીયા સહિતનાએ એક થઈ કેકડીયાભાઈને પકડી રાખી ગળુ દબાવી પતાવી દીધો હતો અને તેનું બાઇક કૂવામાં ફેંકી દીધું હતું, એટલું જ નહીં, લાશ ત્યાં જ કૂવામાં ફેંકે તો પકડાઇ જવાની બીકે મૃતકને પોતાની કારમાં ધોળકા લઈ ગયા હતા અને ત્યાં નદીમાં લાશ અને તેનો ફોન ફેંકી દીધા હતા. બીજી તરફ કેકડીયા ભાઈ ઘરે પરત ન ફરતાં તેના પુત્ર નાનકાભાઈ કેકડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી.
દરમિયાન મૃતકની લાશ ધોળકા ખાતેથી મળી હોવાની જાણ થતાં તપાસનો દૌર ત્યાં લંબાવ્યો હતો અને તેની હત્યા વાંકાનેરના અરણીટિંબા ખાતે થઈ હોવાનું સામે આવતા મૃતકના પુત્રએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે સુરેશભાઈ ઉર્ફે સુરાભાઈ વેસતાભાઈ બારીયા, તેની પત્ની મેરીબાઈ અને સમનાભાઇ લબરીયાભાઇ વસુનીયાની ધરપકડ કરી હતી. વાંકાનેરના અરણીટીંબા પાસેથી ત્રણે આરોપીની ધરપકડ કરાયા બાદ તેમની પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવાયું હતું. મૃતક કેકડિયા ઘરેથી તેનું બાઈક લઇ ઘરથી નીકળી ગયા હતા અને મોડે સુધી પરત ન આવતા પરિજનોએ ફોન પર કોલ કરતા ફોન બંધ હાલતમાં આવતા અંતે તાલુકા પોલીસ મથકમાં ગુમશુદા નોંધાવી હતી, જેની તપાસ કરતા મૃતકના ફોન પર એક નંબર પરથી વારંવાર ફોન આવ્યો હોવાથી તે નંબરની તપાસ કરવામાં આવી હતી અને આ નંબર રાયચંદ જોરાવરભાઈ મેડાનો હોવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ કરી હતી તેના સુધી પહોંચતા આ મોબાઇલ નંબર તેના મિત્ર સુરેશ વેસતાભાઈ વાપરતા હોવાનું સામે આવતા પોલીસે સુરેશ સુધી પહોંચતા સમગ્ર ભાંડાફોડ થયો હતો.