વોંકળામાં કચરો ફેકનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના, ભયજનક હોર્ડિંગ ઉતારી લેવા નિર્દેશ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષતામાં પ્રિ- મોન્સૂન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જિલ્લા કલેકટરે તકેદારીના ભાગરૂપે અને આપત્તિની સ્થિતિમાં જરૂરી પૂર્વ આયોજન સંદર્ભે માર્ગદર્શન કર્યું હતું. તેમણે વોટર લોગિંગ એટલે કે પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે જરૂરી સાફ-સફાઈની બાકી રહેલ કામગીરી પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત ગટરની સાફ-સફાઈ અને જરૂરી મરામત કાર્ય પૂર્ણ કરવા માટે પણ જણાવ્યું હતું.
- Advertisement -
તેમજ ચોમાસાના પ્રારંભ પૂર્વે જ માર્ગોના રીસરફેસિંગ સહિતની કામગીરી પૂર્ણ કરવા માટે પણ નિર્દેશ આપ્યા હતા. આ સાથે જિલ્લા કલેકટરશ્રીએ હાઈરાઈઝ ટાવર પરના હોર્ડિંગ્સની મજબૂતાઈની ખરાઈ કરવા માટે પણ સૂચના આપી હતી. તેમજ ભયજનક લાગતા હોર્ડિંગ ઉતારી લેવા માટે પણ નિર્દેશ આપ્યા હતા. જિલ્લામાં કોઝ- વે સહિતના સ્થળોએ પાણીના સ્તર દર્શાવતા બોર્ડ લગાવવા માટે પણ જણાવ્યું હતું. જેથી લોકોને પાણીના સ્તરનો ખ્યાલ આવી શકે. ઉપરાંત પાણી ભરાતા હોય તેવા વિસ્તારમાં ભારે વરસાદ વખતે સતત પેટ્રોલિંગ રાખવા પણ નિર્દેશ આપ્યા હતા. ખાસ જળાશયોમાંથી પાણી છોડવામાં આવે ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને સજાગ કરવા માટે જરૂરી માળખું ગોઠવવા, ઉપરાંત ગામડાઓના તલાટી મંત્રીશ્રી અને સરપંચશ્રીઓને જરૂરી જાણકારી મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.
આ સાથે રેનબસેરામાં જરૂરી સાફ- સફાઈ સહિત અન્ય જરૂરી વ્યવસ્થાઓ રાખવા અને સ્થળાંતરની પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકે તેવી સમાજની વાડીઓ, સરકારી શાળાઓની ઓળખ કરી તે માટે જરૂરી પૂર્વ આયોજન કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટરે ઉપલબ્ધ બોટ અને તરવૈયાઓની યાદી પણ અદ્યતન કરવા માટે સૂચના આપી હતી. રોગચાળો અટકાવવા માટે પાણીના ક્લોરીનેશન અને હાઉસ ટુ હાઉસનો હેલ્થ સર્વે નિયમિતપણે થાય તો રહે માટે પણ સૂચના આપી હતી. વોંકળાઓમાં પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે વોંકળામાં કચરો ફેકનાર સામે દંડનીય કાર્યવાહી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા. ઉપરાંત ડોર ટુ ડોર નિયમિતપણે કચરાનું કલેક્શન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રીએ આકસ્મિક પરિસ્થિતિમાં અનાજ સહિત અન્ય જરૂરી ચીજ વસ્તુઓનો જથ્થો જળવાઈ રહે તે માટે પણ જરૂરી સૂચનાઓ આપી હતી.



