ખાસ-ખબર સંવાદદાતા
હાલ ગાંધીનગરથી લઈ સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો પ્રશ્ન અત્યંત પેચીદો બન્યો છે. મોરબી શહેરના મુખ્ય માર્ગો હોય કે હાઈવે રોડ કે પછી રેલ્વે ટ્રેક હવે તમામ સ્થળોએ રખડતા ઢોર લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. હજુ બે ત્રણ દિવસ પહેલા જ દેશની સૌથી ફાસ્ટ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ થયાના બે દિવસ દરમિયાન બે વાર રખડતા ઢોર આડે આવવાની ઘટના બની હતી ત્યાં હવે મોરબીમાં પણ ભેંસ ટ્રેન હડફેટે આવી જતા તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું.
- Advertisement -
શનિવારે મોડી રાત્રીના સમયે નવલખીથી ડીઝલ ભરીને વાંકાનેર તરફ જતી માલગાડી નટરાજ ફાટક નજીકથી પસાર થતી હતી તે દરમિયાન એક ભેંસ ટ્રેન હડફેટે આવી ગઈ હતી અને લગભગ 200 મીટર સુધી ઢસડાઈને ભેંસનું કમકમાટી ભર્યું મોત થયું હતું. આ દરમિયાન ભેંસ વેગનના ભાગમાં ફસાઈ જતા ટ્રેન થોભાવી પડી હતી જે બાદ રેલ્વે કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી જોકે રેલ્વે કર્મીઓ ન આવતા અંતે આસપાસ આવેલ હોસ્ટેલના વિધાર્થીઓને બોલાવાયા હતા અને ફસાયેલ ભેંસને બહાર કાઢી સાઇડમાં મૂકીને ફરીથી ટ્રેનને રવાના કરવામાં આવી હતી.