રાજકોટમાં મોબાઇલની દુકાનમાં લાગેલી આગના કેસમાં મોટો ઘટસ્ફોટ
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં ગુંદાવાડી વિસ્તારમાં આવેલી એક મોબાઇલની દુકાનમાં અજાણી મહિલા થેલી મૂકી ગયા બાદ તેમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી હતી.
7 એપ્રિલના રોજ શુક્રવારે ગુજરાત મોબાઈલ નામની દુકાનના સંચાલક ભવારામ ચૌધરીએ ભક્તિનગર પોલીસ મથકને જણાવ્યું હતું કે, ગુરુવારે મોડી રાતે તેની દુકાનમાં લાગેલી આગ અકસ્માત નહીં પરંતુ ષડયંત્ર હતું. ગુરુવારે સાંજે ગ્રાહકનો સ્વાંગ રચીને એક મહિલા દુકાનમાં આવી હતી અને પોતાની પાસે રહેલું પાર્સલ ભુલી ગઇ હોવાનું નાટક કર્યું હતું. રાત્રે દુકાન બંધ કરતી વખતે ભવારામે એ પાર્સલ દુકાનની અંદર મુક્યું હતું અને મોડી રાતે પાર્સલમાં ધડાકો થયો હતો અને આગ લાગી હતી. પોલીસે દુકાનના સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં પાર્સલ મુકી જનાર મહિલા દેખાઈ હતી. જોકે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે એસટી બસપોર્ટ નજીક મોબાઈ એસેસરીઝની દુકાન ધરાવનાર કાલારામ ઉર્ફે કલ્પેશ ચૌધરી અને તેના સાળાની અટકાયત કરી હતી. આ બંનેની પૂછપરછમાં પાર્સલ મૂકી જનાર ત્યક્તા ડોલી નામની એક યુવતીનું નામ ખુલતા પોલીસે તેને પણ ઉઠાવી લીધી હતી. આરોપીઓની કબૂલાત મુજબ ભવારામ અને કાલારામ બંને રાજસ્થાની છે.બન્ને ભાડાની દુકાન ધરાવે છે. આ બન્ને દુકાનનો માલિક એક જ વ્યક્તિ છે અને ધંધાકીય હરીફાઈમાં ગુજરાત મોબાઈલના સંચાલક ભવારામે બસપોર્ટ પાસે આવેલી દુકાન કાલારામ પાસેથી ખાલી કરાવી હતી અને એ દુકાન તે ભાડે રાખવા માગતો હતો.
ભવારામે ધંધો છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ભવારામને આર્થિક નુકસાન પહોંચાડવા માટે સાળા સાથે મળીને કાલારામે આ કાવતરું રચ્યું હતું. કાલારામ અને તેના સાળાએ સૂતળી બોમ્બનો દારુગોળો કાઢી તેને એક કોથળીમાં ભર્યો હતો. જેમાં મોબાઇલની બેટરી, ઇલેક્ટ્રિક વાયર અને ઘડિયાળનો ઉપયોગ કરીને એક દેશી બનાવટનો બોમ્બ તૈયાર કર્યો હતો. જેમાં ટાઈમ સેટ કર્યો હતો. બોમ્બ તૈયાર થઇ ગયા બાદ કાલારામે પોતાની દુકાનેથી છૂટકમાં મોબાઇલ એસેસરી લઇ જઇને પોતાની રીતે વેપાર કરતી ડોલીને પોતાના કાવતરામાં સામેલ કરી અને બોમ્બવાળું પાર્સલ ગુજરાત મોબાઇલમાં મૂકી આવવાનું કામ સોંપ્યું હતું. ડોલી ગુરુવારે સાંજે પાર્સલ મૂકીને જતી રહી હતી અને મધરાતે તે બોમ્બ ફૂટ્યો હતો.
આ બ્લાસ્ટ થતા ગુજરાત મોબાઈલમાં રહેલ સામાનમાં મોટું નુકસાન થયું હતું. અને તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા પ્રથમ તો રમકડાંનાં લિકવિડને લઈ બ્લાસ્ટ થયાનું જણાયું હતું. પરંતુ ઝીણવટભરી તપાસમાં આ બ્લાસ્ટ ટાઈમબોમ્બ દ્વારા થયાનું સામે આવતા હાલ પોલીસે મહિલા સહિત ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.