સારવાર માટે ગયેલી મહિલાને નોકરી અપાવી દેવાના બહાને ક્લિનિક પર બોલાવી બનાવી હવસનો શિકાર
માલવિયાનગર પોલીસે દુષ્કર્મની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સ્વામિનારાયણ ચોક પાસે કૃષ્ણનગર મેઇન રોડ પર ક્લિનિક ધરાવતા ડો.એલ.જી.મોરી સામે છેલ્લા સાત મહિનાથી ધમકી આપી પરિણીતા પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. તબીબે નોકરીની લાલચ આપી ક્લિનિક પર બોલાવી દુષ્કર્મ આચર્યાનું તપાસમાં ખુલ્યું છે.
- Advertisement -
રાજકોટમાં માવતરે રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સાત મહિના પહેલાં તબિયત સારી ન હોય ડો.મોરીને ત્યાં દવા લેવા ગઇ હતી. તબીબે દવા આપ્યા બાદ મોબાઇલ નંબર લઇ બે દિવસ પછી બતાવવા આવવાનું કહ્યું હતું. બે દિવસ પછી ફોન કરતા તેને બપોરે આવવાનું કહ્યું હતું. પોતે બપોરે ક્લિનિક પહોંચતા ડો.મોરી સિવાય કોઇ ન હતું. પોતાને કેબિનમાં લઇ જઇ કામકાજ વિશે પૂછતા પોતે ઇમિટેશનનું કામ કરતી હોવાનું કહ્યું હતું. ત્યારે ડો.મોરીએ સારી નોકરી અપાવી દેવાની વાત કરી શું તકલીફ થાય છે પૂછ્યું હતું. તબિયત તપાસવા પોતાને ટેબલ પર સુવડાવી પેટ તપાસવાનું નાટક કરી બળજબરી કરી પહેલી વખત દુષ્કર્મ આચર્યું હતું બાદમાં ડો.મોરીએ તું આ વાત કોઇને કરીશ તો તારા ઘરે આવી તને બદનામ કરી દઇશની ગર્ભિત ધમકી આપી હતી. છ દિવસ બાદ ડો.મોરીએ ફોન કરી તબિયત વિશે પૂછી મિત્રને ત્યાં નોકરીની વાત કરી છે એટલે ક્લિનિક પર આવવા કહ્યું હતું. બપોરે દીકરી સાથે ક્લિનિક પર જતા દીકરીને બહાર ચોકલેટ આપી પોતાને કેબિનમાં આવવા કહ્યું હતું. ના પાડતા બળજબરીથી કેબિનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ અઠવાડિયા પછી ફોન કરી તારી નોકરીનું થઇ ગયું છે કહી ક્લિનિક પર બોલાવી હતી. પોતે ક્લિનિક પર જતા ડો.મોરીએ મેં તારી સાથે જે ખોટું કર્યું છે તે બદલ માફી માગી હતી. તેમજ મિત્રનો ફોન આવે એટલે તને વાતચીત કરવા બોલાવીશનું કહ્યું હતું.
દરમિયાન ગત તા.5ના ડો.મોરીએ ફોન કરી મિત્ર બપોરે આવવાના છે એટલે બપોરે ક્લિનિક પર આવવા કહ્યું હતું. બપોરે ક્લિનિક પર પહોંચતા ડો.મોરી એકલા હતા અને મિત્ર હમણાં આવે છે. તેમ કહી ફરી બળજબરી કરી કેબિનમાં લઇ ગયા હતા. ડો.મોરીનો પ્રતિકાર કરવા છતાં તેને બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તારાથી થાય તે કરી લેજે, કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી. તબીબની ધમકીથી પોતે ગભરાઇ ગઇ હતી. બનાવની માતાને વાત કર્યા બાદ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એટ્રોસિટી, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તબીબની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે જેની સામે ફરિયાદ નોંધાઈ તે ડોક્ટરની ઉમર 78 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.