વાહન અથડાતા કારચાલકે પીછો કરતાં બાઇક પરથી કાબૂ ગુમાવતાં સર્જાયેલો અકસ્માત
ગુંદાસરા રહેતો હાર્દિક માતા અને મામા સાથે બાઈક પર અટલ સરોવર ફરવા આવ્યો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વાહન અથડાયા બાદ કારચાલકે પીછો કરતાં બાઈકચલકે બાઇક પરથી કાબૂ ગુમાવતાં બાઇક સ્લીપ થતાં ગુંદાસરા રહેતા પરિવારનો છ વર્ષનો પુત્ર રોડ પર પટકાયા બાદ પાછળથી આવતા ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં ઘટનાસ્થળ જ મોત નીપજ્યું હતું.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ મૂળ રાજસ્થાનનો અને હાલ ગુંદાસરા મામા વિક્રમ ચૌધરીનાં ઘરે રહેતો હાર્દિક પંકજભાઈ ચૌધરી ઉ.6 ગઇકાલે મામા વિક્રમ માતા ખુશીબેન સાથે બાઈકમાં બેસી ગત સાંજે રાજકોટનાં અટલ સરોવર ખાતે ફરવા આવ્યો હતો જયાંથી હાર્દિકને ગોલો ખાવો હોવાથી બધા બાઈકમાં રૈયા ચોકડી આવ્યા હતા જયાં એક કારમાં બાઈક અથડાઈ જતાં વિક્રમ ડરી ગયો હતો અને તેણે બાઈક માધાપર ચોકડી તરફ ભગાવી મુકયુ હતું માધાપર ચોકડી પહોંચતા ફુલ સ્પીડમાં ચાલતુ બાઈક સ્લીપ થયુ હતું ત્રણેય બાઈક પરથી જમીન પર પટકાયા હતા ત્યાં પસાર થતા ટ્રકનું વ્હીલ હાર્દિકનાં માથા પર ફરી વળ્યુ હતું. માતા ખુશીબેનને સામાન્ય ઈજા થઈ હતી. હાર્દિકને 108માં સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો પણ તેને ડોકટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં બાળકનાં મૃતદેહ, પીએમ માટે ખસેડયો હતો.ગુનો નોંધવા તજવીજ કરી હતી. મૃતક તેમનાં માતા-પિતાનું એકનુ એક સંતાન હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.