નિલેશ રૂપાપરાની અણધારી વિદાયથી સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં શોકની લાગણી
સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા નિલેશ રૂપાપરાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
- Advertisement -
ગુજરાતી ભાષાના જાણીતા લેખક-પત્રકાર નિલેશ રૂપાપરાનું મુંબઈમાં અવસાન થયું છે. નિલેશ રૂપાપરાની અણધારી વિદાયથી સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં શોકની લાગણી ફરી વળી છે. સોશિયલ મીડિયા પર અસંખ્ય મિત્રો અને અઢળક વાંચકો નિલેશ રૂપાપરાને શ્રદ્ધાંજલિ પાઠવી તેમની સાથે વિતાવેલી ક્ષણોને વાગોળી રહ્યા છે. નિલેશ રૂપાપરાના અવસાનની ખબર જાણી સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ અહીં પ્રસ્તુત છે.
જેને આકસ્મિક કહેવાય તેમ મૃત્યુ પામ્યા : ગૌરાંગ અમીન
આજ એવી વાત થઈ, સૂર્ય ઊગે રાત થઈ
આસમાને હું ચમક્યો, મૃત્યુ જેવી ભાત થઈ
સૃષ્ટિ આખી બાથ ભરે, આંખમાં સંઘાત થઈ
છિદ્ર કાળું પાર કરી, એક જગની નાત થઈ
સૂક્ષ્મ ટપકું શેષ વધી, જ્ઞાન જ્ઞાતા જ્ઞાત થઈ
છે નથી દ્વંદોની જડ, ચૈત્યને સાક્ષાત થઈ
અંત આરંભ પળ મળી, હાશ! મારી માત થઈ
પૂર્વમાં જીવીશ સદા, મસ્ત અશ્વો સાત થઈ
(દિવસમાં એકવાર હકારાત્મક રીતે મૃત્યુ અંગે વિચારવું જોઈએ ‘ને ભૌતિકતા છોડ્યા પછીના જીવન માટે થોડી કે ઘણી તૈયારી કરવી જોઈએ. નાસ્તિકતાની અથવા ધર્મની વાતો કરવાથી શરીર ના રહ્યા પછીની રિયાલિટી ના બદલાય. સ્પિરિટ થઈ જાવ એ પહેલા સ્પિરિટ અંગેનું એટલે કે સ્પિરિચ્યુઆલિટીનું થોડું કે વધારે પ્રેક્ટિકલી પાલન કરવું પડે. બાકી મુલ્લાનો બેલ વગાડ્યા કરવાનો. જેમને કદી ફોન પર પણ મળ્યો નથી એ મિત્ર ‘ને મનુષ્ય નિલેશ રૂપાપરા જેને આકસ્મિક કહેવાય તેમ મૃત્યુ પામ્યા તેનું દુ:ખ થયું. ક્યાંક સૂર્યાસ્ત તો ક્યાંક સૂર્યોદય)
- Advertisement -
‘બૌદ્ધિક રાષ્ટ્રવાદી કેવા હોવા જોઈએ તેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે નિલેશ રૂપાપરા’
અરે વડીલ તમને તો તમને તો મળવાનું હતું. હજુ તમારી પાસેથી તો ઘણું શીખવાનું હતું. આમ ચાલી ગયા તમે એક બૌદ્ધિક રાષ્ટ્રવાદી કેવા હોવા જોઈએ તેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે નિલેશ રૂપાપરા સર. તેમના જેટલું વૈચારિક ઊંડાણ ઘણી ઓછી જગ્યાએ મને વાંચવા મળ્યું છે. કોઈ પણ ચર્ચાતા રાષ્ટ્રીય મુદ્દા પર હંમેશા તેમની પોસ્ટની રાહ રહેતી, જેથી હું મારા વિચારોને વધુ શાર્પ કરી શકું. તમે આ દેશની અને વિચારધારાની વૈચારિક રીતે ખુબ સેવા કરી છે. અમે તમારા હંમેશા ઋણી રહીશું. મહેશ પુરોહિત
‘નિલેશ રૂપાપરાની વિદાય પછી પેન ચાલતી બંધ થઇ ગઇ’
હું પત્રકાર છું છતાં અંગત વ્યક્તિની વિદાય પછી લખી નથી શકતો. જીગરી મિત્ર નિલેશ રૂપાપરાની વિદાય પછી મારી પેન ચાલતી બંધ થઇ ગઈ છે એટલે કેટલાક મિત્રોની અંજલિ મારી ગણી લેવા વિનતી.. વિક્રમ વકીલ
નિલેશ રૂપાપરા નાટકો, નવલકથા, વાર્તા અને બીજુ ઘણા પ્રકારનું લેખન કરતા : સર્જનાત્મકતાથી છલોછલ, પ્રતિભાથી ભરેલો અને વિચારોથી ઠરેલો માણસ એટલે નિલેશ રૂપાપરા
નિલેશ કોઈનું અ-ભલું અણી માત્ર પણ ઇચ્છે તો પણ ના ઈચ્છી શકે : દિલીપ ગોહિલ
પહેલીવાર કેવી રીતે મળ્યા હતા તે યાદ નથી. યાદ કરવાની જરૂર પણ નથી, કેમ કે પહેલીવાર ક્યારે મળ્યા અને છેલ્લે ક્યારે મળ્યા તેની કોઈ જરૂર નથી. આ તો સદાકાળની મિત્રતા હતી. ને અમે તો મળતા જ રહેતા અધવચ્ચે ને અંતરિયાળ. હાઈવે પર. હું અમદાવાદથી લિંબડી સુધી પહોંચ્યો અને તે વાંકાનેરથી વાંકાનેર બાઉન્ડ્રી થઈને લિંબડી પહોંચ્યો ને બસ એમ જ મહામાર્ગ પર વહેતા માનવદોટની વચ્ચે નિરાંતે બેઠા રહ્યા હતા. અમારું મળવાનું બસ એવું જ રહેતું. મુંબઈ, દિલ્હી, અમદાવાદ, રાજકોટ એમ બહુ વિસ્તરેલું વર્તુળ. એક વર્તુળની જેમ ગોળ ગોળ ફરતા રહ્યા છીએ. કેન્દ્રમાં કોઈ કાયમી નાતો હતો. અમસ્થો અમસ્થો હતો. અકારણ હતો. અકથ્ય હતો. અનંત હતો અને છે અને રહેશે.
સમકાલીનમાં કોઈ એક દિવસ પ્રથમ મુલાકાત થઈ હશે. મુંબઈમાં શરૂઆત યુવદર્શનથી કરેલી પણ થોડા મહિના પછી સમકાલીનમાં જોડાયા હતો. થોડા મહિના પહેલાં નિલેશ પણ જોડાયો હતો. ને ભેગા થઈને અમે ઘણો સાજ અસબાબ બાંધ્યો. સાજ અસબાબ નામની પૂર્તિ અમારા ઘડતરમાં અને અમારા સગપણમાં ઉમેરણ કરતી જ રહી હતી. એ પૂર્તિમાં અમે અકલ્પનિય વિષયોને લેતા હતા અને તેના કારણે એક બીજાની અંદર રહેલી રુચિ કંઈક એવી રીતે પ્રગટ થતી હતી કે વાત જવા દો.
દાખલા તરીકે ગુજરાતી વ્યાકરણ અને ભાષા વિશે પૂર્તિ કરવાનું કહ્યું ત્યારે મને બહુ શુષ્ક લાગેલી, પણ એના ચાર મોટા પાના થયા હતા. અભ્યાસીઓને પણ થોડું અચરજ જેવું થયેલું. ધ્વનિ અને સ્પર્શ એવા વિષયો મેં ગુંજામાંથી કાઢ્યા ત્યારે તેના પર ચાર પાના કેવી રીતે ભરાઈ તેનું વિસ્મય પૂર્તિ છપાઈને આવ્યા ત્યાં સુધી રહ્યું હતું.
મોટા ચશ્મા પાછળની તેની મોટી આંખોમાં વિસ્યમ કાયમ હતું, જે એક લેખકમાં હોય. એક કસાયેલી કલમમાં હોય તેવું. વિસ્મય ખરું પણ આમ સાવ શુષ્ક. નાટક લખવું હોય તમારે કોમેડી લાવવી પડે. જેન્તીલાલ જેવું દેશી હાસ્ય લાવવું પડે. નિલેશ દેશી પણ નહોતો અને કોમેડી કરી શકે એવો પણ નહીં. પણ જેન્તીલાલના સંવાદમાં વાક્યે વાક્યે નિલેશ હસાવી શકે, પણ જેન્તીલાલ તો છેલ્લે ઠનઠન ગોપાલ થઈને રહે એમ નિલેશને જશ ગોત્યેય જડે નહીં. જેન્તીલાલ સૌનું ભલું કરે અને કોઈને ખબર પણ ના પડે. નિલેશ કોઈનું અ-ભલું અણીમાત્ર પણ ઇચ્છે તો પણ ના ઈચ્છી શકે. એક સમાન મિત્રે કહેલું કે અન્ય સમાન મિત્ર બહુ ખરાબ બોલે છે તો નિલેશ કહે કે હવે શું કરવું. તો એક જગ્યાએથી કામ મળતું હતું તે તેને પાસ ઓન કરી આવ્યો. ગયો હતો અ-વળવાણી કહેવા, પણ તેને થયું કે આ બિચારો મુશ્કેલીમાં લાગે છે તો મૂળ વાત ભૂલીને કામ તેને સોંપીને આવી ગયેલો.
એ કંઈ એવું કામ તો નહોતો કરી આવ્યો કે હસી શકાય. હસી નાખી શકાય તેવું હશે કદાચ. એટલે જ જેન્તીલાલ જેવા પાત્રો તે સર્જી શક્યો. ને છતાં જેન્તીલાલ જેવો નહોતો. તો કેવો હતો? મને શું ખબર ભાઇ. સારી રીતે શ્રદ્ધાંજલિ લખી શકાય એવી રીતે તેના વ્યક્તિત્વને ચીતરવું મારા માટે મુશ્કેલ છે.
હું કંઈ મિત્રોની વ્યાખ્યા કરીને મિત્રતા કરતો નથી. મને ફાવતું હતું એટલે મારો મિત્ર હતો. કોણ કેવું છે, મિત્ર કેવો છે એવું વિચારવા જઈએ ત્યાં જ દોસ્તી પૂરી થઈ જાય છે. આ વાત નિલેશને પણ લાગુ પડે છે.
સમકાલીનમાં તે મારા પહેલાં જોડાયો અને પછી હું આવ્યો ત્યારે આ કોણ આવ્યો, કેવો છે એવું તેણે વિચાર્યું નહોતું કદાચ વિચાર્યું હોત તો અમારી મિત્રતા ના થઈ હોત. તેના એક પછી નાટકો સફળ રહ્યા, પણ તે સફળ ના રહ્યો. તેણે એક પછી એક સફળ સિરિયલો પણ લખી. પણ તે સફળ ના રહ્યો. તેની સર્જનાત્મકતાનો હું ફક્ત સાક્ષી બનતો રહ્યો છું એટલે તેને વર્ણવી નહીં શકું. અન્ય મિત્રો છે જે તેના સર્જનને વધારે નીકટથી જોઈ શક્યા છે એ કહેશે તેમાં હું કદાચ સૂર પુરાવી શકીશ. કે પછી મને યાદ આવશે કે સૂઝશે કદાચ. આજે કંઈ મને બહુ સોરવતું નથી. મને કંઈ સૂઝતું નથી. કંઈ સ્ફૂરતું નથી. નિલેશે મને કહ્યું હોત કે જવા દેને હવે કંઈ જરૂર નથી. તો જવા દોને…
નિલેશ રૂપાપરા એટલે ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વનું મોટું નામ : રમેશ તન્ના
લેખક-સર્જક-પત્રકાર નિલેશ રૂપાપરાએ આજે વિદાય લીધી.
હમણાં તો તેમનું લખેલું નવું નાટક આવ્યું હતું.
વય માંડ 55-57 વર્ષની હશે.
મન-હૃદય આ વાત સ્વીકારવા જ તૈયાર નથી. એક મહિનાથી એક કાને સંભળાતું નહોતું. ગઈકાલે રાત્રે બ્રેઈન સ્ટોક આવ્યો જે ઘાતક પૂરવાર થયો. નિલેશ રૂપાપરા એટલે ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વનું મોટું નામ. નાટકો, નવલકથા, વાર્તા અને બીજુ ઘણા પ્રકારનું લેખન… માણસ હતો સર્જનાત્મકતાથી છલોછલ. પ્રતિભાથી ભરેલો અને વિચારોથી ઠરેલો.
તેની દરેક કૃતિમાં તેની છાપ હોય. માણસ પણ મજાનો.
અવારનવાર ફોન પર વાત થતી. મૃત્યુ પોતે એક ઉત્સવ છે, જીવન અને મૃત્યુ મળીને જ પૂર્ણ જીવન બને છે. મૃત્યુનો જરાય શોક હોય નહીં, તો પણ એ વાત તો ખરી કે ગમે નહીં.
આંચકો લાગે. એવું થાય તો જો આવું ના થયું હોય તો સારું હતું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને પરમ શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ સ્થિતિમાં સ્વસ્થ રહેવાની શક્તિ આપે.
સંપૂર્ણ કાર્યરત કર્મઠ વ્યક્તિનું આમ અચાનક જતાં રહેવું આંચકો આપી જાય છે! : સંજય ઉપાધ્યાય
થોડીવાર અગાઉ જ સંદેશ મળે છે કે મુંબઈના સુખ્યાત લેખક પત્રકાર નિલેશ રૂપાપરા આપણને છોડીને અનંત સફરે ચાલી નીકળ્યા. 17 એપ્રિલ 2022ની ‘ભારવિ’ આયોજિત વાર્તા શિબિર નિમિત્તે રાજકોટ આવેલા મિત્ર રાજુ પટેલ સાથે નિલેશભાઈ આવેલા અને એક દિવસનો સંગાથ થયેલો. મૂળ રાજકોટના પણ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલા નિલેશભાઇ નાટકો-ફિલ્મો-સિરિયલોનાં લેખન થકી પ્રખ્યાત વ્યક્તિ, પણ બિલકુલ અહં વિના મૈત્રીભાવે વાતો કરેલી એ હજુ યાદ છે. સંપૂર્ણ કાર્યરત કર્મઠ વ્યક્તિનું આમ અચાનક જતાં રહેવું આંચકો આપી જાય છે! સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના!
કોઈ ડાબેરીની અનુચિત, અભદ્ર ટીકા થાય તેના તેઓ વિરોધી હતા : જયવંત પંડયા
નિલેશભાઈ રૂપાપરા સાથે પહેલી (અને છેલ્લી) પ્રત્યક્ષ મુલાકાતનું સ્મરણ એ હતું કે એ ‘અભિયાન’ ઑફિસે અમદાવાદ આવ્યા હતા…2010 કે 2011નો સમય. દિલીપભાઈ ગોહિલના કારણે એ મુુલાકાત થયેલી. એ અલપઝલપ મુલાકાત મારા માટે હતી. કોઈ કામસર બહુ લાંબું એમની સાથે બેસી શકાયું નહોતું. પણ એક સાલસ વ્યક્તિની છાપ એમણે મારા માનસપટ પર છોડી હતી. એમનું બીજું સ્મરણ એ રીતે કે સબ ટીવી પર આવેલા સારા સ્તરના કોમેડી ધારાવાહિક ‘સજન રે ઝૂઠ મત બોલો’ના અનેક એપિસોડ તેમણે લખ્યા હતા. ખૂબ સરસ લખ્યા હતા. એ ધારાવાહિકમાં અપૂર્વ શાહ (સુમિત રાઘવન)નું કોઈ સ્વજન નથી. અપૂર્વના લગ્ન થાય તે માટે એનો મિત્ર એના માટે નકલી મા, ભાઈઓ, ભાભી વગેરે ગોઠવી આપે છે. એ નકલી લોકો વચ્ચે પોતે એકબીજાના જાણે અસલી સ્વજન હોય તેવી લાગણી બંધાઈ જાય છે. નિલેશ રૂપાપરા સાથે પણ વાચક તરીકે કેટલાય ફેસબુક મિત્રોની લાગણી બંધાઈ ગઈ! એ પત્રકારજગતમાં હતા, કલાજગતમાં હતા, (હજુ થોડા દિવસો પહેલાં જ તેમણે એમના આવનારા નાટક ‘લાલનો રાજા, ચોકટની રાણી’ની ઘોષણા મૂકી હતી.) અને તેમ છતાં એમણે ડાબેરીઓની બૌદ્ધિક બદમાશીને ખૂબ ખુલ્લી પાડી. પરંતુ કોઈ ડાબેરીની અનુચિત, અભદ્ર ટીકા થાય તેના તેઓ (મારી જેમ) વિરોધી હતા. દિલીપભાઈ સાથે ચા મુલાકાતમાં નિલેશભાઈની વાત અચૂક નીકળે. હજુય નીકળતી જ રહેશે.
પાંચ દિવસ પહેલાં જ તેમની પોસ્ટ હતી –
અમુક ડાહ્યાવને એવી ટેવ, ડાબેરીઓને માને દેવ, બૌદ્ધિકોનું ખેંચવા ધ્યાન
ભભરાવે નકરું ’ચકા’ ભ્રમજ્ઞાન – ચકો
જમણીથી ડાબી ડાળ પર દોડાદોડી કરતા સ્માર્ટ લોકોને અર્પણ. એટલે તેમની આવી વિદાયનો વિચાર પણ કેમ આવે ! આજે બપોરે જ્યારે જશવંતભાઈ રાવલે તેમને બ્રેઇન હેમરેજ થયું હોવાના સમાચાર ફેસબુક પોસ્ટ દ્વારા આપ્યા ત્યારે આંચકો લાગ્યો. થોડા જ કલાકોમાં તેમની અણધારી વિદાયના સમાચારનો ભૂકંપ ! પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.
તમારી કોલેજકાળની, નાટકો-સિરીયલોની, પત્રકારત્વની કેટકેટલી વાતો જે હવે કાયમ માટે સ્મૃતિમાં જ જળવાશે : ધ્રુમલ ઓઝા
2021ના મિલનની આ તસવીરી યાદ. એ પોસ્ટમાં મેં લખ્યું હતું કે નિલેશભાઈ જેવા હુંફાળા, સહ્રદયી મિત્ર મારે છે એટલે મારે ’કોઈ ચારાસાઝ હોતા, કોઈ ગમગુસાર હોતા’ ગાવાની જરૂર પડતી નથી. મારો એક ચારાસાઝ, ગમગુસાર ઓછો થયો. ઢળતી બપોરે જશંવતભાઈની પોસ્ટ વાંચીને ફાળ પડી કારણ ઓક્ટોબરમાં તો એમના ઘરે અમે મળ્યા હતા, હજુ દસેક દિવસ પહેલાં જ વાત થઈ ત્યારે કાનમાં ધાક પડી ગઈ અને દવાથી ફરક પડતો નથી એટલે બીજા ઈએનટીને ક્ધસલ્ટ કરવા વિશે વાત થઈ. છેલ્લે ગુરુવારે ચેટ થઈ જેમાં એમણે ડોક્ટરની દોડાદોડીમાં છું એમ કહ્યું. અને આજે સાંજે આ સમાચાર. મને અત્યારે ખૂબ રડવું છે પણ આંખો કોરી છે અને સખત બેચેની અનુભવાય છે.
એ કેટલીક સાંજ જ્યારે આપણે હોટલમાં મળતાં અને મધરાત પહેલાં આપણી બેઠકો પૂરી ન થતી, કલાકો ફોન પર થતી વાતો, તમારી વિદ્વતા-વિષયના ઊંડાણમાં જવાની આદત અને વૈચારિક સ્પષ્ટતા, ફ્લોલેસ-ટુ ધ પોઈન્ટ શાર્પ આર્ટિક્યુલેશન, અઘરું લાગે એ બધું કંટાળ્યા વગર મને વિગતે સમજાવવું, ગુજરાતી-હિંદી વ્યાકરણ પરની મારી ક્વેરિઝ માટે તમારી ‘જસ્ટ અ ફોન કોલ અવે રેઝોલ્યુશન સર્વિસ’, તમારું લખવા માટે મને સતત પુશ કરતા રહેવું, ગમે એટલી વૈચારિક ભિન્નતા હોય મૈત્રી અતૂટ અને કડવાશ અને ડંખરહિત રાખવાની પાકટ દિલેરી, તમારી કોલેજકાળની, નાટકો-સિરીયલોની, પત્રકારત્વની કારકિર્દીની વાતોનું શેરિંગ… કેટકેટલી વાતો જે હવે કાયમ માટે સ્મૃતિમાં જ જળવાશે.
દિપકભાઈ તમારા તરફથી મને મળેલી બેસ્ટ ગીફ્ટ આજે ઈશ્વરે મારી પાસેથી પડાવી લીધી. કદાચ એને મારા કરતાં અનેકગણી આ ચારાસાઝ-ગમગુસારની જરૂર હશે ઉપર.
આજે પ્રદોષની પૂજામાં જરાય મન ન લાગ્યું, શ્લોકો વારેવારે ભૂલાયા છેવટે ક્ષમાપના સાથે મહાકાલ મહાદેવને ચરણે નિલેશભાઈ તમારા માટે ‘મૃત્યોર્મુક્ષીય મામૃતાત’ ની પ્રાર્થના કરી છે.
‘પુનરપિ જનનં, પુનરપિ મરણં…’માંથી તમને મોક્ષપ્રાપ્તિ થાય અને તમારી આનંદ સ્વરૂપ આત્મજ્યોતિ પરમાત્મજ્યોતિમાં સમાય
દોસ્ત, રૂબરૂ ના મળવાનો વસવસો કાયમ રહેશે ! : ગુણવંત ઘોરડા
હા મને,એ દિવસ બરાબર યાદ છે. આપણા સૌના વ.મિત્રશ્રી રજનીકુમાર પંડયાનો ફોન આવ્યો કે ગુણવંતભાઈ તમે નિલેશ રૂપાપરાને ઓળખો છો ? મેં કહ્યું હું તેમને ક્યારેક ક્યારેક વાંચું છું. એક લેખક તરીકે જરૂર ઓળખું, તેમની સાથે અંગત રીતે કોઈ ઓળખાણ કે પરિચય નથી. રજનીકુમાર પંડ્યાએ કહ્યું, મળવા જેવા માણસ છે. આપણા જેતપુરના જ વતની છે. ગમતીલા માણસ છે. મેં તમારા મો.નંબર તેમને આપ્યા છે. તમને પણ તેમના નંબર વોટ્સએપ કર્યા છે.અનુકૂળતાએ નિલેશ રૂપાપરા તમારી સાથે વાત કરશે. નહીતો અનુકૂળતાએ તમે કરશો.
થોડી જ ક્ષણોમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, મેં ફોન ઉપાડ્યો, સામેથી અવાજ આવ્યો હું, નિલેશ રૂપાપરા મને આપનો નંબર રજનીકુમાર પંડયા પાસેથી મળ્યો છે.આપની પાસે વાત કરવાની અનુકૂળતા અને સમય હોય તો આપણે વાત કરીએ. મેં કહ્યું “હું, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈને પણ મળી શકું તેવો માણસ છું.” જવાબમાં કહ્યું, અરે વાહ! મને ગમ્યું. સાહેબ, મને રજનીકુમાર પંડ્યાએ કહ્યું, ગુણવંતભાઈ આપણા જેતપુરના જ છે. જેતપુરનું નામ પડતા જ મારા મનમાં જેતપુર ઉગવા લાગે. જેતપુરની મારા મનમાં એક અલગ તાસીર છે. તે કળાવા લાગે. એટલે મેં તરત આપની સાથે વાત કરવા ફોન કર્યો.
ઔપચારિક જેતપુરની ઘણી વાતો થઈ, અમારી સંસ્થા જેતપુરની સાહિત્ય, સંગીત, કલાની “સેતુ” વિષે ઉંડાણ પૂર્વક વાતો થઈ , તેમને ગમ્યું અનુકૂળતાએ જેતપુર આવીશ ત્યારે “સેતુ” મિત્રોને મળવાની વાત કરી.
રૂપાપરા સરનેમ ઉપરથી મેં કહ્યું, તમે પટેલ ? જેતપુરમાં મોટાભાગના રૂપાપરા પરિવાર સાથે મારે નજીકના સંબંધો છે. જે તે પરિવારના મેં નામ આપ્યા કેશુભાઈ રૂપાપરા, ગોરધન રૂપાપરા, સંજય રૂપાપરા જે લોકો સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. નિલેશ રૂપાપરાએ કહ્યું, મારા પિતાજી કદાચ ઓળખતા હોય. પણ અમે પટેલ નથી. અમે ભાવસાર છીએ.
આ પ્રથમ લાગણીસભર ટેલિફોનિક મુલાકાત યાદગાર રહી. ત્યારબાદ અમારો અનિયમિત પણ નિયમિત ટેલિફોનિક સંપર્ક સત્તત જીવંત હતો. પોતાની ખુબજ વ્યવસાયિક વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી મારા લેખ અચૂક વાંચતા એટલું જ નહીં અને વોઇસ મેલથી અચૂક પ્રતિભાવ આપતા અમૂલ્ય સૂચન પણ આપતા રહેતા.
“ગુણવંતભાઈ જ્યારે પણ મુંબઈ આવો ત્યારે મલ્યાં વગર ના જતા’ દોસ્ત તારા આમંત્રણનો સ્વીકાર કરૂં અને આપણે રૂબરૂ મળીયે તે પહેલા જ આમ ઉતાવળ કરી મોટા મિત્ર વર્તુળને આવજો કર્યા વિના ,જ આવજો કરી નાખ્યું !
દોસ્ત, તને રૂબરૂ ના મળવાનો વસવસો કાયમ રહેશે —ક્યારેય રૂબરૂ ના મળી શકેલ દોસ્ત.
કાલે કદાચ અમે આ જગતમાં જીવિત હોઈએ કે ન હોઈએ પણ કળી બનીને કે પવનની લહેરખી બનીને : દિનેશ પટેલ
કાલે કદાચ અમે આ જગતમાં
જીવિત હોઈએ કે ન હોઈએ
પણ કળી બનીને કે
પવનની લહેરખી બનીને
તમારા પ્રત્યેની નિષ્ઠાના ઉદ્યાનમાં
સદા સુવાસિત રહીશું
ઋતુ કોઈ પણ હોય
અમે આ ઉપવનમાં રંગ બનીને
ઠસ્સાથી ફર્યા કરીશું
અમારા પ્રેમની સુગંધ
પ્રસર્યા કરશે
અમારા કેશમાંથી
વસંત હોય કે પાનખર
અમે આમ જ રૂમઝૂમ કરતાં
ખીલતાં રહીશું
કળી બનીને કે
પવનની લહેરખી બનીને…
એવી રીતે ખોવાયાં છીએ અમે
કે મળવું અને વિખૂટા પડવું
એટલે શું એની
સૂધ જ નથી રહી અમને
હૃદયની કેડીઓમાં પ્રવેશ્યાં
ત્યારથી કેવળ
હૃદયભૂમિની જ સ્મૃતિ છે અમને
આ જ ધરાતલ પર રહીશું અમે
કળી બનીને કે
પવનની લહેરખી બનીને…
જ્યારે અમે આ જગતમાં નહીં હોઈએ
જ્યારે તમે ચાલતાં ચાલતાં
અમારી રાખ પર આવીને
વિરમશો ઘડીક
અશ્રુઓથી તરબોળ જ્યોત્સ્નામાં
સાદ સાંભળ્યાનો આભાસ
થશે તમને ચાલતાં ચાલતાં
બસ ત્યાં જ ક્યાંક
મળીશું અમે તમને
કળી બનીને કે
પવનની લહેરખી બનીને…
કાલે કદાચ અમે આ જગતમાં
જીવિત હોઈએ કે ન હોઈએ
પણ કળી બનીને કે
પવનની લહેરખી બનીને
તમારા પ્રત્યેની નિષ્ઠાના ઉદ્યાનમાં
સદા સુવાસિત રહીશું.
———–
મમતા ફિલ્મનું લતા મંગેશકરે ગાયેલું, રોશને સ્વરબદ્ધ કરેલું અને મજરૂહ સુલતાનપુરીએ લખેલું ગીત રહેં ના રહેં હમ… આજે યુટ્યુબમાં સહસા સામે આવ્યું ત્યારે થયું કે ગુજરાતીમાં પણ ઉર્દૂ જેવું લાલિત્ય અને લાવણ્ય કેમ ન લાવી શકાય? એટલે આ ભાવાનુવાદ.
ઉમેરો: આમાં મૂળ ગીતનો લય ન શોધવો, કેમ કે અહીં ફોકસ ઉર્દૂ – ગુજરાતીના ભાષાસૌંદર્ય પર છે, લયમાધુર્ય પર નહીં. એ માટે મૂળ ગીત પાસે જ જવું. નિલેશ રૂપાપરા દ્વારા જે ગઈકાલે આપણી વચ્ચેથી વૈકુંઠમાં નીકળી ગયા છે.
નિલેશ રૂપાપરાની આંચકાજનક વિદાય: ઉર્વિશ કોઠારી
પ્રેમાળ મિત્ર નિલેશ રૂપાપરા ઓચિંતા-અણધાર્યા જતા રહ્યા. સવારે કેતનભાઈ મિસ્ત્રીનો ફોન આવ્યો. જાણવા મળ્યું કે ગઈ કાલે રાત્રે નિલેશભાઈ પરિવારજનો સાથે હતા અને બ્લડ પ્રેશર ઓચિંતું વધી ગયું, ભારે બ્રેઇન સ્ટ્રોક આવ્યો. હાલત બહુ ગંભીર છે.
ને સાંજે ટૂંકો સંદેશો: નિલેશભાઈ ગયા.
1995થી 2023 સુધીના સમયગાળાની અનેક મધુર યાદો ઉભરી આવી.
તેમને પહેલી વાર જોયા મુંબઈમાં ‘અભિયાન’ની ઓફિસમાં. ત્યારે તેમના માથે ખાસ્સા છાપરા જેવા વાળ હતા. ચહેરા પર ધ્યાન દોરે એવી ભરાવદાર છતાં ખૂંખાર ન લાગે એવી મૂછો, ચશ્માની પાછળ દેખાતી, સહેજ ઢળેલાં પોપચાંવાળી આંખો, ધીમી પણ ખચકાટ વગરની ચાલ, હાથમાં સીગરેટ. બોલ્યા એટલે થયું કે આમનો તો અવાજ પણ સરસ છે. એકદમ બેઝવાળો.
તે ‘અભિયાન’ના સંપાદક હતા. દીપક સોલિયા ચીફ રીપોર્ટર. બંને જણ અત્યંત કામગરા તરીકે જાણીતા. નિલેશભાઈ ડેસ્ક સંભાળે. એટલે કે જે અહેવાલો-લખાણો આવે તેમનું કમ્પ્યુટર પર જ એડિટિંગ કરે, કાપકૂપ કરે, સુધારેમઠારે અને છેલ્લે લેખનું મથાળું તથા ભૂમિકા (ઇન્ટ્રો) બાંધે. તેમની ભાષા અત્યંત સમૃદ્ધ. લેખનમાં અભિવ્યક્તિ જોરદાર. પાછા ચહેરેથી લાગે તેવા ધીરગંભીર કે ઠાવકાઠમ પણ નહીં. છૂટથી મસ્તીમજાક કરે ને ખુલીને હસે.
ત્યારે હું તો પત્રકારત્વમાં સાવ નવો. અનુભવ શૂન્ય. પહેલી મુલાકાત નિલેશભાઈ સાથે થઈ ને પહેલા જ દિવસથી તેમણે સિનિયોરિટીના કડપને બદલે પ્રેમાળ મિત્ર તરીકે અપનાવી લીધો. અમારું બેસવાનું ક્યુબિકલ એક જ. પણ તેમને એવું ન થયું કે આ ક્યાં આવી પડ્યો. ઉલટું, જોડાયા પછી તરતના અરસામાં કાર્ટૂન વિશેની મારી કવર સ્ટોરી જોઈને તેમણે કહ્યું,‘મેડ મેગેઝીન વિશે ખ્યાલ છે?’ મેં ના પાડી, એટલે તેમણે ટેબલના ખાનામાંથી એક અંક કાઢીને મને આપ્યો, રાખી લેવા માટે. ત્યારથી ‘મેડ’ સાથેનું ગાઢ પ્રેમપ્રકરણ શરૂ થયું.
‘અભિયાન’માં તેમની પાસેથી-તેમને જોઈને હું ડેસ્ક કામગીરીમાં ઘણું શીખ્યો. એ વિશે મેં ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’માં લખ્યું, ત્યારે તેમણે તેમની શાલીનતાને અનુરૂપ ધોખો કર્યો હતો, ‘તું મને બહુ ફૂટેજ આપે છે.’ ‘અભિયાન’માંથી તે અમદાવાદ ‘ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી આવૃત્તિમાં આવ્યા. અગાઉ તે ‘ઇન્ડિયા ટુડે’ ગુજરાતીની દિલ્હી ઓફિસમાં પણ હતા જ. થોડા સમય પછી મારે પણ ‘અભિયાન’ની અમદાવાદ ઓફિસે આવવાનું થયું. ત્યારે અને પછી ‘સંદેશ’માં જોડાયો ત્યારે નિલેશભાઈના કારણે ‘ઇન્ડિયા ટુડે’ની ઓફિસમાં મારી અવરજવર ઘણી રહી. તેમાંથી હિમાંશુ કીકાણી, દિલીપ ગોહિલ, મનીષ મહેતા, વિવેક મહેતા સહિત બીજા ઘણા સાથે પરિચય અને દોસ્તી થયાં. ‘સંદેશ’માં મારી (પ્રશાંત દયાળ સાથેની) દૈનિક હાસ્યકોલમ શરૂ થઈ ત્યારે તેના શરૂઆતના લેખ મેં આગ્રહપૂર્વક નિલેશભાઈને વાંચવા આપ્યા હતા અને તેમનો પ્રામાણિક અભિપ્રાય માગ્યો હતો. તેમના પ્રોત્સાહન અને કેટલાંક સૂચનનું મારે મન બહુ મહત્ત્વ હતું. આનંદ એ વાતનો પણ છે કે અહીં લખેલી આ બધી વાતો મેં તેમના સુધી મૌખિક અને ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ થકી લેખિત સ્વરૂપે પણ પહોંચાડી અને મારી કૃતજ્ઞતા વ્યક્ત કરી શક્યો. તેના માટે અંજલિલેખની રાહ ન જોઈ. આમ પણ, મારે તેમનો અંજલિલેખ લખવાનો આવશે, એવું તો સપનેય ક્યાંથી વિચાર્યું હોય.
તેમણે ‘ઇન્ડિયા ટુડે’ (ગુજરાતી) પછી અમદાવાદ છોડ્યું, ત્યાર પછી પણ અમારી વચ્ચે અનિયમિત રીતે નિયમિત સંપર્ક ચાલુ રહ્યો. તે નાટકો અને ટીવી સિરીયલ લખવાના કામમાં વળ્યા. ‘અભિયાન’માં જોડાતા અગાઉ તેમણે મિર્ઝાબંધુઓ (સઈદ-અઝીઝ)માંથી કોઈ એકની સાથે કામ કર્યું હોવાની મારી છાપ છે. (એ વિશે તેમના એ સમયગાળાના સાથીઓ સંજય છેલ અને રાજુ પટેલ વધુ કહી શકે)
અસલમ પરવેઝ સાથે નિલેશભાઈની જોડી બની. ‘લેખક: અસલમ પરવેઝ’ અને ‘રૂપાંતર: નિલેશ રૂપાપરા’ -એવી રીતે ઘણાં નાટકો થયાં. તેમાંના એક, ઘણા સફળ થયેલા કોમેડી નાટક ‘જલસા કરો જયંતિલાલ’નો અમદાવાદમાં શો હતો ત્યારે તેમણે બીજા મિત્રોની સાથે મને પણ સજોડે નાટકના શો માટે આમંત્રણ આપ્યું હતું અને અમને બધાને પહેલી-બીજી હરોળમાં બેસાડીને નાટક બતાવ્યું હતું.
તેમની લેખનક્ષમતા અને ભાષાસજ્જતા વિશે મારા મનમાં બહુ આદર હતો. તે પોતે પણ એ બાબત વિશે સભાન અને સજાગ હતા. 2006-07માં છ મહિના માટે એક એવો સોનેરી યોગ બની આવ્યો, જ્યારે આકાર પટેલ ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી બન્યા, હું ત્યાં રોજ ચાર કલાક ‘ઓપ-એડ’ પેજના કામ માટે જતો હતો અને દીપક સોલિયા ‘આહા જિંદગી’ સામયિકના સંપાદક ઉપરાંત પૂર્તિઓના સંપાદક તરીકે મુંબઈથી અમદાવાદ આવ્યા. તે વખતે અમે કેટલીક પૂર્તિઓ નવેસરથી કરવાનું વિચાર્યું. તેમાં રવિવારની પૂર્તિ માટે અમે નિલેશભાઈ પાસે એક નવલકથા લખાવવાનું નક્કી કર્યું. દીપકને ખબર હતી કે નિલેશભાઈ પાસે કોઈ આઇડીયા છે.
તેમની સાથે વાતચીત કર્યા પછી નિલેશભાઈએ નવલકથાનું બેકગ્રાઉન્ડ અને તેનાં બે પ્રકરણ મોકલ્યાં. એ નવલકથા કેવી થશે અથવા કેવી થાય એવું તે ઇચ્છે છે, તેના માટે નિલેશભાઈએ આપેલું વન લાઇનર હતું, ‘અશ્વિની ભટ્ટનો પ્લોટ, મધુ રાયની ભાષા’.
અખબારી દુનિયામાં ઘણીખરી સારી બાબતોનું થાય છે તેમ, ન આ નવલકથા શરૂ થઈ શકી, ન નવા અંદાજવાળી પૂર્તિઓ. છેવટે, એકાદ દાયકા પછી એ નવલકથા અમે સ્થાપેલા ‘સાર્થક પ્રકાશન’માં ’છલનાયક’ નામે પ્રગટ થઈ, ત્યારે એક વર્તુળ પૂરું થયાનો આનંદ આવ્યો. ‘સાર્થક જલસો’માં એક વાર તેમણે માતૃભાષા વિશે અને ‘સાર્થક જલસો-18’માં ‘સમકાલીન’ તથા હસમુખ ગાંધી વિશે પ્રેમથી લખી આપ્યું હતું.
રાજકીય ધ્રુવીકરણ સમાજમાં અને સોશ્યલ મિડીયામાં પ્રસરી ગયું, ત્યારે અમારે વિચારધારાના સાવ સામસામા છેડે ઊભા રહેવાનું થયું. પરંતુ અમને એ વાતનો બહુ સંતોષ રહ્યો કે અમારી મૈત્રી પર તેનો ડાઘ સરખો ન લાગ્યો. એ બાબતે અમે એકબીજા વિશે બહુ આશ્વસ્ત હતા. તેમની ભદ્રતા એવી કે એક વાર તેમની પોસ્ટ નીચે કમેન્ટમાં કોઈએ મારા વિશે કંઈ એલફેલ લખ્યું હશે, તો એ તેમણે કાઢી નાખ્યું. એ તો ઠીક, મને મેસેજ મોકલ્યો. ત્યારે મેં તેમને લખ્યું હતું કે તમારે આવો મેસેજ મોકલવાનો ન હોય. એક તો, મેં એ વાંચ્યું નથી અને ખાસ તો, તમારા વિશે મને ખાતરી છે કે તમે સંબંધની ગરીમા કદી ચૂકો નહીં.
થોડાં વર્ષ પહેલાં એક વાર હું મુંબઈ ગયો ત્યારે દીપક, નિલેશભાઈ અને હું ચહીને અમારા ‘અભિયાન’ સમયના બાર ‘સંધ્યા’માં સંભારણાં ખાતર ગયા હતા. તે પહેલાં અને પછી પણ તેમને ક્યારેક મળવાનું થતું હતું. પરંતુ મારા માટે એ ‘અભિયાન’વાળા નિલેશભાઈ હતા અને તેમના માટે હું એ જ ઉર્વીશ. તેમનો મિત્રપ્રેમ એવો કે મારી હાસ્યવ્યંગ વિડીયોના 100 ભાગ થયા ત્યારે, તે વિડીયોની સામગ્રી તેમની વિચારધારાથી સાવ સામા છેડાની હોવા છતાં, તેમણે લખ્યું કે મિત્રની સેન્ચુરી થાય ત્યારે આનંદ તો થાય જ, ભલે તે સામેની ટીમમાંથી રમતો હોય. તેમની આ બાબત તેમને બીજા ઘણા લોકો કરતાં જુદા અને ઊંચા બનાવતી હતી.
તેમની નવલકથા ‘મહેકનામા’ અને ખાસ તો તેમના વાર્તાસંગ્રહ ‘આનંદ રોડને પેલે પાર’ વાંચ્યા પછી અમારી વચ્ચે મેઇલની મઝાની આપ-લે થઈ હતી. તેમાં તેમની માનસિક નિર્મળતાનું વધુ એક ઉદાહરણ મળ્યું. આમ તો એ અંગત મેઇલ છે અને જાહેરમાં મુકતાં ખચકાટ થાય. પણ હવે એ નથી ત્યારે અંગતતાના ભંગનો દોષ વહોરીને પણ એ મેઇલના અંશ મુકતાં જાતને રોકી શકતો નથી.
(વાર્તાસંગ્રહની) પ્રસ્તાવના સાથે હું સહમત નહોતો, ખાસ તો એમણે આ વાર્તાઓને લોકભોગ્ય શ્રેણીમાં મૂકી (હું ટીવીલેખક ને પત્રકાર હોવાને કારણે લોકભોગ્ય વાર્તાઓ જ લખું એવા ગૃહિત સાથે એમણે લખ્યું હોય એમ લાગ્યું) એ વાત સાથે મારી વધુ અસહમતિ હતી…જોકે પછી એના રિએક્શન રૂપે મારી વાત મેં બહુ અઘરી અઘરી લખી જે મારે નહોતું કરવું જોઈતું… પણ ક્યાંક અંદરખાને એવું દેખાડી દેવાની વૃત્તિ હતી કે અમનેય લખતાં આવડે છે… છેલ્લે, ઘરવાપસી વિશે. 2015ની શરૂઆતમાં ઊંજ્ઞયક્ષફિફમ ઊહતનિુંં પુસ્તક ગયલફશિંજ્ઞક્ષશતળ શક્ષ ઈંક્ષમશફ: ઈજ્ઞક્ષભયફહશક્ષલ વિંય છયભજ્ઞમિ જ્ઞર ઈંતહફળ વાંચેલું અને એ મગજ પર ચઢી ગયેલું. પુસ્તકની અધિકૃતતા વિશે તો આજેય શંકા નથી પણ એની જાલીમ અસરમાંથી નીકળવું હતું. સાથેસાથે દીકરાની મુસ્લિમ પ્રેમિકા પ્રત્યે મનમાં એક ટકોય મેલ હોય તો એ કાઢવો હતો. પરિણામે એ વાર્તા લખાઈ. અને લખ્યા પછી ઘણા પૂર્વગ્રહો-પક્ષપાતો નીકળી શકે એનો અનુભવ લગભગ પહેલી વાર થયો. ( 19 એપ્રિલ 2018)
‘મારી વાચનયાત્રા’ એવા એક પુસ્તકનો ખ્યાલ ઘણા વખતથી મનમાં છે. તેમને એ વિષય પર લખવાનું કહેતાં તેમનો મેઇલ આવ્યો હતો, ‘થેન્ક્સ ઉર્વીશ, મને ગમે એવું લખવાનું કહ્યું છે તેં… અને હું પ્રયત્ન પણ કરીશ. પરંતુ હાલના તબક્કે વાયદો કરી શકું તેમ નથી. કારણ, તબિયત રિસાયેલી પ્રેમિકા જેવી દશામાં છે. ઉપરથી પહેલાં લીધેલું નાટક લખવાનું કમિટમેન્ટ પૂરું કરવાનું છે. આથી મને ગણતરીમાં ન રાખીને ચાલે તો સારું… ફરી કહું છું કે કોશિશ કરીશ, પણ…’ (12 જુલાઇ, 2023)
નિલેશભાઈ, આપણે તો આ લેખ પૂરતા તમને ગણતરીમાં ન રાખવાની વાત થઈ હતી અને તમે તો…
નિલેશભાઈ રૂપાપરા અંગેની વિગતે પોસ્ટ ઉર્વિશ કોઠારીની ફેસબૂક વોલ પર વાંચી શકાશે