યુનિવર્સિટી તરફથી એડવાન્સ ખર્ચ તરીકે રૂપિયા ન મળતાં ખુદનાં ખિસ્સાં ખાલી કર્યા
રાજકોટથી ચંદીગઢ સ્પર્ધામાં રમવા જવા માટે તમામ ખેલાડીઓએ ટ્રેનની એક સીટમાં બે ખેલાડીને બેસવું પડ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નાદારી નોંધાવી હોય તેમ આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ખેલાડીઓની ટીમને લઈને રમવા જતા કોચ મેનેજરને આ વર્ષે પ્રથમ વખત એડવાન્સ પેમેન્ટ આપવામાં ન આવતા કોચ તેમજ ખેલાડીઓની પૈસા વિના દયની હાલત જોવા મળી છે. આંતર યુનિવર્સિટી કુસ્તીની સ્પર્ધામાં ચંદીગઢ ભાગ લેવા જતા વિદ્યાર્થી ખેલાડીઓ પોતાની આપવીતી વર્ણવતા કહે છે કે, રાજકોટથી ચંદીગઢ ટ્રેનમાં એક સીટ પર બે ખેલાડીઓ બેસ્યા અને 30 કલાકનું અંતર કાપી પહોંચ્યા. જે બાદ પૂરતો આરામ થયો ન હોવા છતાં કુસ્તીની ગેમમાં ભાગ લીધો અને ત્યાર બાદ પણ કોચ મેનેજરને એડવાન્સ પેમેન્ટ અપાયું ન હોવાથી વિદ્યાર્થી દીઠ રૂ.2,200 લેવામાં આવ્યાં. ત્યાર બાદ જ રહેવા અને જમવાની સુવિધા મળી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયેલી આંતર કોલેજ કુસ્તી સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓ ગત તા.27 નવેમ્બરના ટીમ ચંદીગઢ યુનિવર્સિટીમાં આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા પહોંચ્યા હતા. જે બાદ ભાઈઓ-બહેનોની 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી સ્પર્ધા હતી. જેમાં બહેનોની ટીમની માનસી ભમ્મર અને શિતલ ખોરાણીનું ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં સિલેક્શન થયું હતું. જોકે આ બંને ટીમના કોચ મેનેજરને એડવાન્સ પેમેન્ટ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓ તેમજ કોચની હાલત દયનીય બની છે. કુસ્તીના ખેલાડી જેનિશ મુંગરાએ જણાવ્યું હતું કે, આંતર યુનિવર્સિટી કુસ્તીની રમત પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોચિંગ કેમ્પ યોજવામાં આવ્યો ન હતો. જે બાદ અચાનક જ આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા જવા કહેવામાં આવ્યું હતું. રાજકોટથી ચંદીગઢ સ્પર્ધામાં રમવા જવા માટે તમામ ખેલાડીઓ ટ્રેનમાં બેઠા ત્યારે એક ખેલાડીને એક સીટ તો દૂર એક સીટમાં બે ખેલાડીને બેસવું પડ્યું. 30 કલાક સુધી સતત બેઠા બેઠા મુસાફરી કર્યા બાદ અમે થાકી ગયા હતા. જોકે તેમ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન થાય તે માટે આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં અમારું પર્ફોર્મન્સ બતાવ્યું.
તપાસ કરી લઉં છું: નીલાંબરી દવે
આ બાબતે કાર્યકારી કુલપતિ ડો. નીલાંબરી દવેને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, જે રમતમાં માન્ય શારિરીક શિક્ષણ વ્યાખ્યાતા નથી ગયા તેમનું પેમેન્ટ બાકી છે. તેમ છતાં તપાસ કરી લઉં છું, જોકે હકીકત એ છે કે જે રમતમાં માન્ય શારીરિક શિક્ષણ અધ્યાપક ગયા છે તેમને પણ એડવાન્સ પેમેન્ટ ન આપી યુનિવર્સિટીના કુલપતિ દ્વારા ખેલાડીઓ અને કોચ મેનેજરને દયનીય સ્થિતિમાં મૂકી દીધા છે.