ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના ભારત સ્થિત દૂતાવાસે ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે એક જ વર્ષમાં 1.40 લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપીને નવો રેકોર્ડ સર્જયો છે. અમેરિકાના વિદેશ વિભાગના કહેવા પ્રમાણે આ સમયગાળમાં વૈશ્ર્વિસ સ્તરે લોકોને અમેરિકા આવવા માટે અલગ અલગ 10 મિલિયનથી વધારે વિઝા આપવામાં આવ્યા છે. જેમાં વેપાર અને પર્યટન માટે અપાયેલા આઠ મિલિયનથી વધારે વિઝાનો સમાવેશ થાય છે. 2015 પછી સૌથી વધારે વિઝા આ સમયગાળામાં અપાયા છે. જ્યારે અમેરિકાએ આખી દુનિયાના 6 લાખ વિદ્યાર્થીઓને પોતાના દેશમાં ભણવા માટે એક વર્ષમાં વિઝા આપ્યા છે. જેમાંથી 1.40 લાખ કરતા વધારે વિઝા તો એકલા ભારતીય વિદ્યાર્થીઓે આપવામાં આવ્યા છે.
વિદેશ વિભાગનુ કહેવુ છે કે, વિઝા આપવા માટેની સિસ્ટમમાં કરવામાં આવેલા મહત્વના ફેરફારોના કારણે આટલી મોટી સંખ્યામાં વિઝા આપવાનુ શક્ય બન્યુ છે. જેમાં અમેરિકા નિયમિત રીતે આવતા મુલાકાતીઓ જો સુરક્ષાના તમામ ધારાધોરણ પર ખરા ઉતરતા હોય તો તેમને એમ્બેસી કે કોન્સ્યુલેટ ગયા વગર વિઝા આપવાની છૂટનો સમાવેશ થાય છે.
ભારતની વાત કરવામાં આવે તો ગત વર્ષે 1.2 મિલિયનથી વધારે ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી હતી. દુનિયાભરમાંથી અમેરિકાના વિઝા માટે અરજી કરનારા લોકોમાં 10 ટકાથી વધારે ભારતીયો હોય છે. સ્ટુન્ડટ વિઝા માટે અરજી કરનારાઓમાં 20 ટકાથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ હોય છે અને રોજગાર માટેની કેટેગરીમાં અરજી કરનારામાં 65 ટકા સંખ્યા ભારતીયોની હોય છે.