સનાતન અર્થવ્યવસ્થાનો રૂપિયા 25 લાખ કરોડથી વધુનો બિઝનેસ
કુલ ખર્ચ 100 દેશોના GDP કરતાં પણ વધુ: તીર્થસ્થાને જતા શ્રાદ્ધાળુ દ્વારા પણ રોજ મોટો ખર્ચ થાય છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આ વર્ષે દિવાળી તહેવારોમાં દેશભરના બજારોમાં થયેલી ભારે ખરીદીએ ભારતની અર્થવ્યવસ્થાને મોટો ઓપ આપી દીધો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા મુજબ તહેવારોની મોસમમાં થતા આ બિઝનેસે સાબિત કરી દીધું છે કે ભારતમાં થતી પર્વ ઉજવણી દેશના વેપાર જગત અને આર્થિક ચક્રને ફેરવે છે. કૈટે આ આયામને સનાતન અર્થવ્યવસ્થા જેવું નામ આપ્યું છે. તેનું કહેવું છે કે દેશમાં તહેવારોની ઉજવણીનું અર્થવ્યવસ્થા માટે ખૂબ મહત્ત્વ છે. એક અંદાજ મુજબ દેશમાં પ્રતિવર્ષ સનાતન અર્થવ્યવસ્થા થકી રૂપિયા 25 લાખ કરોડથી વધુનો બિઝનેસ થાય છે. આ આંકડો દેશના કુલ રીટેલ બિઝનેસના 20 ટકા બરોબર છે. એ વાત નક્કી છે કે દેશમાં તહેવાર ઉજવણી અને તીર્થયાત્રા થકી મોટી રકમ બજારચક્રમાં પહોંચે છે. બજારમાં પહોંચતી આ રકમ વિશ્વના 100 જેટલા દેશોના જીડીપી કરતાં પણ વધુ છે. કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા મુજબ તહેવારો દરમિયાન થતા બિઝનેસને ધ્યાને રાખીને ભારતના વેપારીઓ વિવિધ તહેવારો પર પોતાની દુકાનોમાં વિશેષ પ્રબંધ કરે છે.
ખાસ કરીને તહેવારી મોસમમાં મોટો વેપાર થતો હોય છે. તહેવારોમાં દેશભરમાં રોજગાર અને સ્વરોજગારની મોટી તક ઉપલબ્ધ થાય છે. તે માધ્યમથી સમાજના નીચલા સ્તરની આર્થિક સદ્ધરતા વધે છે. એક અંદાજ મુજબ સનાતન અર્થવ્યવસ્થા થકી દેશમાં દર વર્ષે રૂપિયા 25 લાખ કરોડથી વધુનો વેપાર થાય છે. સનાતન અર્થવ્યવસ્થાની વ્યાખ્યા કરતાં બંને વેપારી આગેવાનોએ કહ્યું હતું કે આ વર્ષે નવરાત્રિથી માંડીને દિવાળી સુધી રૂપિયા 3.75 લાખ કરોડનો રિટેલ વેપાર થયો છે. દેશભરમાં દુર્ગાપૂજા અને તેની આસપાસ આવેલા તહેવારોમાં રૂપિયા 50 હજાર કરોડનો વેપાર થયો છે. ગણેશ ચતુર્થીના 10 દિવસના તહેવાર દરમિયાન રૂપિયા 20 થી 25 હજાર કરોડનો બિઝનેસ થયો હતો. ખંડેલવાલે જણાવ્યું હતું કે વેપારના ઉપરોક્ત આંકડા તો માત્ર ત્રણ તહેવારોની ઉજવણીના જ છે.
એ જ રીતે હોળી, જન્માષ્ટમી, મહાશિવરાત્રિ અને રક્ષાબંધન જેવા તહેવારો પણ બજારને વેગ આપતા હોય છે. તે ઉપરાંત એક અંદાજ મુજબ દેશભરમાં લગભગ 10 લાખથી વધુ મંદિર છે. આ મંદિરોમાં પણ રોજ મોટા ખર્ચ થતા હોય છે. તે ઉપરાંત રોજ તીર્થસ્થાને પહોંચતાં તીર્થયાત્રીઓ દ્વારા પણ ખર્ચા થતા હોય છે. રોજ મંદિરો પાછળ થતા ખર્ચ અને તીર્થયાત્રા દ્વારા થતા ખર્ચનો સરવાળો કરવામાં આવે તો તે આંકડો દેશની સનાતન અર્થવ્યવસ્થાને મહત્ત્વપૂર્ણ બનાવી દે છે. તહેવાર ઉજવણી અને તીર્થયાત્રીઓ દ્વારા થતો ખર્ચનો આંકડો વિશ્વના 100થી વધુ દેશોના જીડીપી કરતાં પણ વધુ છે.