15 વર્ષથી અનુ.જાતિના વ્યકિત વસવાટ કરતા હોય તેવી જગ્યાને લેન્ડગ્રેબીંગ એક્ટમાંથી મુકિત આપવા, સાથણીની જમીનની સનદો સહિત નવ પ્રશ્ર્નો હલ કરવા માંગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર-જિલ્લાના અનુ.જાતિ પરિવારોના છેલ્લા લાંબા સમયથી અણ ઉકેલ પ્રશ્નો પરત્વે વહીવટી તંત્ર દ્વારા લક્ષ નહીં અપાતા આજે અનુ.જાતિ અધિકાર આંદોલનના નેજા હેઠળ રાજકોટ કલેકટર કચેરી ખાતે પ્રતિક ધરણા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. આ ધરણા આંદોલનમાં અનુસુચિત જાતિ સમાજના 400 જેટલા સદસ્યો જોડાયા હતા. અનુ.જાતિ પરિવારોના 9 જેટલા પ્રશ્ર્નો છેલ્લા લાંબા સમયથી અધ્ધરતાલ લટકી રહ્યા છે.
જેમાં અનુ.જાતિના પરિવાર જે વિસ્તારમાં 15 વર્ષથી વધુ સમયથી વસવાટ કરતા હોય લેન્ડગ્રેબીંગ એકટમાંથી મુકિત આપવા, રાજય સરકાર દ્વારા અનુ,જાતિના લોકોને 100 ચો.વારના પ્લોટો આપવામાં આવેલ છે તેમજ સાંથણીની જમીનો આપવામાં આવેલ છે. તેમાં જમીનના કબ્જા તેમજ સનદો તાત્કાલીક આપવા, તાલુકાના હડાળામાં ડો. આંબેડકરની પ્રતિમા ફરતે કાંટાળી વાડ કરવામાં આવેલ છે. તેને તાત્કાલીક અસરથી હટાવી ડો. આંબેડકરની પ્રતિમાને ખુલ્લી કરવા, રાજકોટ મ્યુ.ર્કોર્પોરેશનના પ્રેમ મંદિર પાસેના પ્લોટ ઉપરથી ડો. આંબેડકરની પ્રતિમા જે અગાઉ ઉખાડી દેવામાં આવેલ છે તેને પુન:સ્થાપિત કરવા, સરધાર ગામમાં બૌધ્ધવિહાર તોડનાર તત્વો સામે કાર્યવાહી કરવા, મ્યુ.કોર્પો. તેમજ અન્ય સરકારી કચેરીઓમાંથી વર્ગ-3 અને 4માંથી કોન્ટ્રાકટ પધ્ધતિ નાબુદ કરવા સહિતની માંગ કરાઈ છે.