રાજકોટમાં રખડતા ઢોરનો પ્રશ્ર્ન વર્ષોથી જેમનો તેમ
શહેરની દુર માલધારી વસાહત ઉભી કરવા મ્યુ. કમિશનરને સમસ્ત ભરવાડ સમાજની માંગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં રખડતાં ઢોરનો પ્રશ્ર્ન વર્ષોથી વણ-ઉકેલ છે. મ્યુનિ. કોર્પોરેશનના બજેટમાં દર વર્ષે માલધારી વસાહત માટે બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આ પ્રશ્ર્નનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી. છેલ્લા 10 વર્ષમાં 40,000 થી વધુ ગાયો માલધારી પાસેથી છીનવી લઇ ઢોર ડબ્બામાં પૂરી દેવાઇ છે અને ત્યાંથી બારોબાર ધકેલી દેવાઇ છે. ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચેનું ધર્ષણ રોજીંદી ઘટના બની ગઇ છે. આ ઘટનાઓ ક્યારેક વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી બેસે એ પહોલાં ઉકેલ લાવવો જરૂૂરી છે. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આજ રોજ મ્યુ. કમિશનરને રજુઆથ કરવામાં આવી હતી.
રાજકોટના માલધારીઓને શહેરથી દૂર શિક્ષણ, પાણી, વસવાટ, ઘાસચારા સાથેની સુવિધા ધરાવતી માલધારી વસાહત વહેલી તકે ઉભી કરી દેવામાં આવે તો વર્ષે જીના પ્રશ્ર્નનો ઉકેલ આવે એમ છે. આ અંગે અગાઉ શહેરની ચારેય દિશામાં સર્વે પણ થઇ ચૂક્યો છે. આ ફાઇલ સરકારમાં પેન્ડીંગ છે. એમ છતાં ફરીવાર સર્વે કરવાનો થાય તો અમારી માલધારી સમાજની તૈયારી છે, પરંતુ જ્યાં સુધી વસાહતની જગ્યાની ફાળવણી ન થાય ત્યાં સુધી રાજમાર્ગો ઉપરથી રખડતી ગાયો પકડશો તો વાંધો નહીં પરંતુ વહેલી સવારે ગાયો દોહવાના સમયે, રાત્રીના સમયે, શેરી ગલ્લીઓમાં અને ગાયની સાથે માલધારી હોય ત્યાંરે ગાયો ન પકડવા રજૂઆત કરાઇ અને ઢોર પકડ પાર્ટીના સ્ટાફને સંયમ રાખવા તેમજ બિભત્સ કે અણછાજતી ગાળો બોલીને માલધારીઓને ઉશ્ર્કેરતા હોવાને કારણે પણ ઘર્ષણ થતું હોય છે. ત્યારે આવા ઘર્ષણો ન થાય તે માટે પ્રશ્ર્નના ઉકેલ લાવે તેવી માંગ કરાઇ છે. મ્યુ.કમિશનરને આજ રોજ ભીખાભાઇ પડસાણીયા, રાજુભાઇ જુંજા, રણજીતભાઇ વકાતર, ભરતભાઇ ધોળકીયા, હરેશભાઇ ભારાઇ, મહેશભાઇ બાંજવા, મઘાભાઇ સાટીમા, રવીભાઇ ધોળકીયા, મનાભાઇ ધોળકીયા, નવઘણભાઇ ધોળકીયા, સહિતના સભ્યોએ રજુઆત કરવા દોડી ગયા હતા.