હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનો જીવ લેવાયો છે. મુંબઈમાં સ્થાયી ગુજરાતી કલાકાર ભાસ્કર ભોજકનું તા.30ના રોજ એક નાટકના શો દરમ્યાન હાર્ટ એટેક આવતા અવસાન થયું છે. ભાસ્કરના અચાનક દુ:ખદ અવસાનથી સમગ્ર રંગકર્મીઓમાં શોકની લાગણી પ્રસરી ગયેલ છે.
તા.30ના રોજ દાહોદ ખાતે જાણીતા કલાકાર સંજય ગોરડિયાના નાટક બે અઢી ખીચડી કઢીનો શો પુરો થયા બાદ તેઓની તબીયત લથડતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ નાટકના કલાકારો પણ તેમના અચાનક મૃત્યુથી સ્તબ્ધ થઈ ગયા હતા.
- Advertisement -
ભાસ્કર ભોજક 39 વર્ષની વયના હતા. દાહોદમાં તેઓને બે અઢી ખીચડી કઢીનો 170મો શો હતો. તેમાં તેઓ ઈન્સ્પેકટરનું પાત્ર ભજવી રહ્યા હતા. નાટક દરમ્યાન પણ તેઓની તબીયત લથડતા નાટકમાં તેમના પાત્ર ટુકાવવામાં આવ્યું હતું. ભાસ્કર ભોજક મુંબઈના મીરા રોડ પર નિવાસ કરતા હતા પરિવારમાં માતા, પત્ની, ભાઈ અને 6 વર્ષની દીકરીને શોક કરતા છોડી ગયા છે. પરિવારજનોને દુ:ખદ સમાચાર મળતા આઘાતમાં સરી પડયા છે.
ભાસ્કર ભોજકએ અનેક ગુજરાતી નાટક અને સીરીયલોમાં કામ કર્યું છે. જેમ કે છેલ છબીલો ગુજરાતી, પરણેલા છો તો હિમ્મત રાખો, ઝીરો બની ગયો હિરો, અરે વહુ હવે થયુ બહુ, આ નમો બહુ નડે છે. અમે ડાર્લિંગ એક બીજાના, આપણું બધુ કાયદેસર, સુંદર બે બાયડીવાળો, બૈરાઓનો બાહુબલી જેવા નાટકોમાં કામ કયુર્ં છે. ગઈકાલે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. જેમાં અનેક કલાકારો જોડાયા હતા.