ખંભાત, પ્રાંતિજના ગલતેશ્ર્વર અને રાજકોટમાં 3નાં ડૂબવાથી અને બેનાં વીજકરંટથી મોત
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ગઈકાલે ધામધૂમથી ગણેશ વિસર્જન પ્રસંગ ઉજવાયો હતો. આ દરમિયાન કેટલીક દુર્ઘટનામાં પાંચના મોત નીપજ્યાં હતાં જ્યારે પાંચને ઇજા થઇ હતી. ગઈકાલે બપોરે લાડવાડા વિસ્તારમાંથી ગણેશજીની વિસર્જનયાત્રા નીકળી હતી. ત્યારે લાડવાડા વિસ્તારની ગણેશજીની વિરાટકાય પ્રતિમા ત્યાંથી પસાર થતી વખતે ઉપર આવેલા વીજ લાઈનને અડી જતા ચાર વ્યક્તિઓને વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. સ્થાનિકોએ તુરંત જ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં આકાશ ગોપાલભાઈ ઠાકોર અને સંદિપ કાંતિલાલ ઠાકોરને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે નિરવ રાજેશભાઈ ઠાકોર અને દર્પણ ગોપાલભાઈ ઠાકોર ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે ખસેડાયા છે. પ્રાંતિજના તાલુકાના ગલતેશ્વર ગામ પાસે આવેલી સાબરમતી નદીમાં તાજપુર ગામમાંથી ગણેશ વિસર્જન કરવા માટે લોકો આવ્યા હતા. જેમાં તાજપુરમાં રહેતા રાવળ જગદીશભાઇ મેલાભાઇ અને તાજપુર મામાના ઘરે આવેલો ભાગ઼ો મૂળ ગાંધીનગરના પીપરોજ ગામનો મકવાણા રાજેશ લાલજીભાઈ ગણેશ વિસર્જન દરમિયાન પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેના પગ પ્રાંતિજ ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક દોડી આવી હતી અને સાબરમતી નદીમાં શોધખોળ હાથ ધરી હતી અને બે કલાકની જહેમત બાદ રાવળ જગદીશ મેલાભાઇ અને મકવાણા રાજેશ લાલજીભાઇને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. રાજકોટ નજીક રાવકીથી માખાવડ જતા ગામ પાસે ગણપતિ વિસર્જનમાં ગયેલા આધેડ અને તેના બે પુત્રો મૂર્તિવિસર્જન કરતી વખતે ડુબવા લાગ્યા હતાં. આ દુર્ઘટનામાં આધેડનું મોત નિપજયું હતું. જયારે તેના બે પુત્રોને લોકોએ બચાવી લીધા હતાં. પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના અંબીકા ટાઉનશીપમાં રહેતા અને ઓટો ગેરેજ ચલાવતા દિનેશભાઈ રાજાભાઈ રામોલીયાના ઘરે ગણપતિ ભગવાનની સ્થાપના કરાઈ હતી. ગઈકાલે વિસર્જન હોવાથી દિનેશભાઈ તેના બે પુત્રો અને પરિવાર ઉપરાંત તે એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક પાડોશીઓ સાથે રાવકીથી માખાવડ ગામ તરફ વિસર્જન કરવા ગયા હતા. જ્યાં પાણીમાં મૂર્તિ વિસર્જીત કરતી વખતે દિનેશભાઈ અને તેના બે પુત્રો એકાએક પાણીમાં ડુબવા લાગતા દોડધામ મચી ગઈ હતી. ત્યાં હાજર લોકોએ ત્રણેય પૈકી બંને પુત્રોને બચાવી લીધા હતાં. જયારે દિનેશભાઈ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.
હાલોલમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન વડા તળાવ ખાતે કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બપોરના સમયે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરતી વેળાએ જૈન અચાનક ક્રેન પલટી ખાઈ જતા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરતા 4 તરવૈયા તેમજ ક્રેન ચાલક જમીન પર પટકાતા તેઓને ઇજાઓ થતાં ભાગદોડ થઇ ગઇ હતી.