ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના ચરાડવા સબ સ્ટેશનમાં વિવિધ જગ્યાઓ પર 11 કેવી વીજ લાઈનના સમારકામ બાબતે ભ્રષ્ટાચાર થયો હોવાની લોકચર્ચાઓ અને સોશિયલ મીડિયામાં મેસેજ ફરી રહ્યાં છે જેમાં અલગ અલગ રીતે પીજીવીસીએલ તંત્રમાં કૌભાંડ આચરવાની કામગીરીમાં અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેમાં અંગત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આશરે 40 લાખથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં કામગીરી કર્યા વિના જ ખોટા બિલો રજૂ કરીને પીજીવીસીએલમાંથી નાણા ઉપાડી લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે કાર્યપાલક ઈજનેર જણાવી રહ્યાં છે કે, માત્ર બે બિલો જ ખોટા રજૂ કરવામાં આવ્યા છે અને તેના નાણા આપવામાં આવ્યા નથી અને તપાસ ચાલી રહી છે. આમ તો, હળવદ વિસ્તારમાં મનફાવે ત્યાં કોન્ટ્રાક્ટરો વીજપોલ ઉભા કરીને લોકોને અસુવિધાઓ કરાવતા હોય છે અને આ અસુવિધામાં પીજીવીસીએલ તંત્રના અધિકારીઓની પણ મીલીભગત હોય છે. કારણ કે એસ્ટીમેટ મુજબ કામગીરી ન થાય તો પણ નાણા ચૂકવી દેવાતા હોય છે ત્યારે ફરી એકવાર કૌભાંડ બાબતે મેસેજ વાયરલ થયા છે જેમાં કથિત રીતે લાખોનું કૌભાંડ થયુ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
- Advertisement -
આ કૌભાંડ જૂનું છે, મારી પહેલા આચરાયું છે : નાયબ કાર્યપાલક ઈજનેર
ચરાડવા સબ સ્ટેશનમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર એ.પી. પનારાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ અંગે અમે તપાસ કરી રહ્યાં છીએ અને આ કૌભાંડ મારી પહેલાના અધિકારીઓએ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.
બે ખોટા બિલો રજૂ કરવામાં આવ્યા છે: કાર્યપાલક ઈજનેર
હળવદ પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર કે.ડી. નીનામાએ જણાવ્યું હતું કે, સૌશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ અંગે અમારી તપાસ ચાલુ છે અને બે ખોટા બિલ ચરાડવા સબ સ્ટેશનના 11 કેવી વીજલાઈનના રિપેર થયા વિના જ રજૂ થયા હતા જેમાં બિલ સવા ત્રણ લાખ રૂપિયાની આસપાસ છે જેથી કરીને હાલ તેની તપાસ કરીને નાણા ચૂકવવા કે નહીં અને તેમાં સંડોવાયેલા સામે તપાસ ચાલી રહી છે.