ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના શનાળા બાયપાસ નજીક પાઉંભાજીની લારીએ કોઇ કારણોસર માથાકૂટ થઇ હતી અને બોલાચાલી એટલી ઉગ્ર બની ગઇ હતી કે સામસામા ટેબલ અને ખુરશી ફેંકાવા લાગ્યા હતા. રસોયાઓ અને કર્મચારીઓ વચ્ચે કોઇ મુદે ઘર્ષણ થયું હતું જો કે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મોરબી શહેરના શનાળા બાયપાસ વિસ્તારમાં આવેલા નાસ્તાની લારીમાં પાઉંભાજી બનાવતા રસોઈયા અને ત્યાંના કર્મચારીઓ વચ્ચે કોઈ મુદ્દે માથાકૂટ થઈ ગઈ હતી અને વાત એટલી હદે આગળ વધી હતી કે એક બીજાને લાતો ફટકારી હતી અને પાટું વાળી કરી હતી તેમજ ખુરસી અને ટેબલ પણ એક બીજા પર ફેંક્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મામલો શાંત કરાવ્યો હતો જો કે આ ઘટનામાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.