એશિયન ગેમ્સની ફાઈનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાની ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
ચીનના હેંગઝોઉના પિંગફેંગ કેમ્પસ સ્ટેડિયમમાં રમાયેલી એશિયન ગેમ્સની મેચની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતે શ્રીલંકાને 19 રને હરાવીને એશિયન ગેમ્સની ક્રિકેટમાં ગોલ્ડ જીત્યો છે. ભારતીય દીકરીઓની આ ઐતિહાસિક સિદ્ધિ છે.
- Advertisement -
ભારતે શ્રીલંકાને આપ્યો હતો 117 રનનો ટાર્ગેટ
ભારત અને શ્રીલંકા ટકરાયા હતા. પહેલા બેટિંગ કરીને હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી ભારતીય ટીમે 116 રન કર્યાં હતા. ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહતી. શફાલી વર્મા 9 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. આ પછી સ્મૃતિ મંધાના અને જેમીમા રોડ્રિગ્સે ઈનિંગને સંભાળી હતી અને બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. મંધાનાના રૂપમાં 89ના સ્કોર પર ભારતને બીજો ઝટકો લાગ્યો હતો, જે 46 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. મંધાનાના આઉટ થયા બાદ ભારતીય ટીમનો ધબડકો થયો હતો, રિચા ઘોષ 9, કેપ્ટન હરમનપ્રીત કૌર 2 અને પૂજા વસ્ત્રાકર 2 રને અંગત સ્કોર પર ધડાધડ આઉટ થયા હતા. સામા છેડે બેટિંગ કરી રહેલી જેમિમા પણ આખરી ઓવરમાં મોટો શોટ ફટકારવાના પ્રયાસમાં 42 રનના અંગત સ્કોરે વિકેટ ગુમાવીને પેવેલિયન પરત ફરી હતી.
Asian Games 2022. India Women Won by 19 Run(s) https://t.co/dY0wBiW3qA #INDvSL #IndiaAtAG22
- Advertisement -
— BCCI Women (@BCCIWomen) September 25, 2023
શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 97 રન જ બનાવી શકી
આ મેચમાં 117 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 97 રન જ બનાવી શકી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલી વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી હતી, જેના કારણે તેણે પ્રથમ પ્રયાસમાં જ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત નબળી રહી હતી અને તેણે 14 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણ વિકેટ ઝડપી બોલર ટીટાસ સાધુએ લીધી હતી. ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ હસીની પરેરાએ કેટલાક આક્રમક શોટ્સ ફટકારતાં શ્રીલંકાને 50 રનના સ્કોર સુધી પહોંચાડયું હતુ. રાજેશ્વરી ગાયકવાડે પરેરાની ઝંઝાવાતી ઈનિંગનો અંત આણ્યો. પરેરાએ 22 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. પરેરાના આઉટ થયા બાદ નીલાક્ષી ડી સિલ્વા અને ઓશ્તી રાણાસિંઘેએ 28 રનની ભાગીદારી કરતાં ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો. પરેરા બાદ દીપ્તિ શર્માએ પણ ઓશાદીને આઉટ કરી હતી, જે પછી ભારતનું કામ આસાન બની ગયું હતુ. ભારત માટે તિતસ સાધુએ છ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. રાજેશ્વરી ગાયકવાડને બે વિકેટ મળી હતી, જ્યારે દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય અને પૂજા વસ્ત્રાકરને એક-એક વિકેટ મળી હતી.