જન્માષ્ટમીના તહેવારોમાં હજારો લોકોએ બંને મેળાઓની મન ભરીને મોજ માણી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિતે લોકમેળાનું આયોજન ન થતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વખતે શહેરમાં અને નજીકના વિસ્તારમાં જન્માષ્ટમીના બે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વખતે જન્માષ્ટમીના બે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ વર્ગ માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામાં આવી છે. સામાકાંઠા અને મોરબી શહેરના લોકોને અગવડતા ન પડે તે માટે મોરબીના શનાળા બાયપાસ પાસે અને સામાકાંઠા માટે સોઓરડી નજીક પરશુરામ પોટરીના ગાઉન્ડમાં ક્રિષ્ના લોકમેળા યોજાયા છે.
- Advertisement -
આ યંગ ઇન્ડિયા ગ્રુપના બંને મેળામાં ફજેત ફાળકા, અવનવી રાઈડ્સ, ખાણીપીણી અને જાતભાતના રમકડાના સ્ટોલ સહિત મનોરંજનની તમામ વ્યવસ્થા અને ખાસ સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ક્રિષ્ના લોકમેળામાં મોકળું વાતાવરણ અને સુરક્ષા વધુ હોવાથી બંને મેળામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે તો મેળામાં ચિક્કાર મેદની ઉમટી પડી હતી તો નોમના દિવસે પણ મેળામાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડીને મેળાની મન ભરીને મોજ માણી હતી જો કે પોલીસ દ્વારા પણ તમામ મેળાઓમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને મેળામાં પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી પણ પોલીસ દ્વારા રાખવામાં આવી છે જ્યારે આ મેળાઓ દસમ કરતા પણ વધુ સમય સુધી ચાલવાના હોવાથી લોકોમાં હજુ પણ મેળા માણવાનો જબરદસ્ત ઉમંગ જોવા મળે છે.