– “લોકમેળા થકી ‘વિવિધતામાં એકતા’ની ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય છે”: પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા
– “રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રની ભાતીગળ ઓળખ બની ગયો છે”: પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા
- Advertisement -
રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે જન્માષ્ટમીએ પ્રતિવર્ષ રેષકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો. હૈયે હૈયુ દળાય તેટલો દસ લાખથી પણ વધુ માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડે છે. આખુ વર્ષ જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રભરના લાખો લોકો લોકમેળાની રાહ જોતા હોય છે. જિલ્લા વહીવટી તંત્ર (લોકમેળા સમિતિ) દ્વારા તા. 5 થી 9 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ રાજકોટના સુપ્રસિધ્ધ ‘‘રસરંગ લોકમેળા-2023’’નું ઉદધાટન પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં કર્યું હતું.
પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ આ તકે કહયુ હતું કે, સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા એ આપણી સંસ્કૃતિ છે. વિવિધતામાં એકતાની આપણી પંચરંગી સંસ્કૃતિ મેળાઓએ જાળવી રાખી છે. રાજકોટનો આ મેળો જગ મશહુર છે. જેને માણવા અનેક લોકો આવે છે. દર વર્ષે દસેક લાખ લોકો આ મેળામાં મહાલે છે.
- Advertisement -
જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાતા આ લોકમેળાની આવક જિલ્લાના વિકાસ કામો માટે થાય છે. આ મેળામાં ઉંચા ઉંચા ફજર, ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની સૌરાષ્ટ્રવાસીઓ મોજ માણશે, આથી ફજર ફાળકાના કારીગરોને રોજગારી પ્રાપ્ત થશે.
આ તકે પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ કહ્યુ હતું કે, “લોકમેળાના કારણે સમાજમાં એકતા, ભાઈચારો, બંધુતા, સમાનતામાં વધારો થાય છે. આપણી સંસ્કૃતિની ઓળખ સમા આ રાજકોટના રંગીલા મેળાની લાખો લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. 1981થી યોજાતા આ મેળાના સુંદર આયોજન માટે વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું. આ લોકમેળો સૌરાષ્ટ્રની ભાતીગળ ઓળખ બની ગયો છે. પોતાનું દુઃખ, થાક ભૂલી લોકો આનંદ માણે છે.”
કલેકટરએ લોકમેળા અમલીકરણ સમિતિ વતી પ્રવાસન મંત્રીને રૂ. 35 લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો હતો. મહેમાનોનું શાબ્દિક સ્વાગત કલેક્ટર પ્રભવ જોશીએ કર્યું હતું. પ્રાસંગિક પ્રવચન મેયર ડો.પ્રદીપ ડવે કર્યું હતું.
આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો લોકનૃત્યો અને લોકગીતો રજૂ કરાયા હતા. લોકનૃત્યોમાં પ્રાચીન ગુજરાતના ગરબા, અઠીંગો, હુડો રાસ, સીદી ધમાલ, તલવાર રાસ, મણિયારો રાસ, ઢાલ છત્રી નૃત્યો લોકગીતો સાથે કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ લોકમેળામાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા, રેન્જ આઇ. અશોક યાદવ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર ધીમંતકુમાર વ્યાસ,પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, આર.એમ.સી. કમિશનર આનંદ પટેલ, નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ.ઠુમ્મર, ડેપ્યુટી કલેકટર બી.એ.અસારી, વિવેક ટાંક, સંદીપ વર્મા અને કે.જી. ચૌધરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, જિલ્લા પુરવઠા અધિકારી અવનીબેન હરણ, નાયબ મ્યુનસિપલ કમિશ્નર બ્રિજેશ કાલરીયા, નાયબ વન સંરક્ષક ડો.તુષાર પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી અવનીબેન દવે, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, ગોવિંદભાઈ પટેલ તથા લાખાભાઈ સાગઠીયા, અગ્રણી રાજુભાઈ ધ્રુવ તથા વિશાળ સંખ્યામાં રાજકોટની ઉત્સવપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીએ આભાર વિધિ વ્યક્ત કરી હતી.