ગોફ ગૂંથન રાસ એટલે દોરી અને નૃત્યનો નયનરમ્ય સમન્વય
સોરઠ ધરા જગ જૂની ને વળી જૂનો ગઢ ગિરનાર
એના સાવજડા હેંજળ પીવે, ને નમણાં નર ને નાર
સોરઠ ધરા ન સંચર્યો,ન ચડ્યો ગઢ ગિરનાર
ન નાહ્યો દામો-રેવતી, એનો એળે ગયો અવતાર
- Advertisement -
ભારતભરમાં કૃષ્ણજન્મના વધામણા માટે ઉજવાતો જન્માષ્ટમીનો તહેવાર રંગીલા રાજકોટમાં પણ રંગે ચંગે ઉજવવામાં આવે છે. રાજકોટને રોશની અને રંગોથી વધુ રંગીન બનાવતા આ તહેવારમાં રાજકોટનાં ‘‘રસરંગ મેળા’’માં સાંસ્કૃતિક કાર્યક્રમો અન્વયે ગુજરાતભરના વિવિધ લોકનૃત્યોની રજૂઆત કરાશે.
આ રસરંગ મેળામાં ગરબા, અઠંગો, હુડો રાસ, સીદી ધમાલ, તલવાર રાસ, મણિયારો રાસ, ઢાલ અને છત્રી નૃત્ય સહિતની પ્રાચીન ગુજરાતની કૃતિઓની રજૂઆત કરશે. જેમાં ગોવાળીયો રાસ મંડળ દ્વારા ગોફગૂંથન રાસનો સમાવેશ થાય છે. આ રાસ એક વિશેષ પ્રકારનો ઠસ્સો ધરાવે છે. ભગવદ્ ગોમંડળમાં જણાવાયા મુજબ ગોફ એ એક જાતની રાસક્રિયા છે. અઠંગો, દાંડીઓના ખેલની પેઠે ગોફ ગૂંથીને દાંડીઓથી રચવાનો આ પ્રકાર દ્વાપર યુગથી અસ્તિત્વમાં છે.
- Advertisement -
ભગવાન શ્રીકૃષ્ણની મોરલીના નાદ સાથે ગોપકુમારો તથા ગોપકન્યાઓ ગોફ ગુંથતા હતા. ‘અઠંગા’ અને ‘સોળંગા’ નૃત્ય તરીકે જાણીતું આ નર્તન એક વિશિષ્ટ પ્રકારનો મનોહર ગોપરાસ છે. આથી, ગોફ ગૂંથન રાસ માટે ‘રાસક્રીડા’ શબ્દ પણ પ્રયોજવામાં આવે છે, જેમાં રાસ એટલે દોરી અને ક્રીડા એટલે ખેલ. દોરીથી રમવાનો ખેલ એવો આ રાસનો અર્થ થાય છે. આ નૃત્યમાં વણેલી સુંદર દોરીઓના ગુચ્છ ઉપર છત કે સ્તંભમાં બાંધેલી કડીમાંથી પસાર તેનો એક એક દડો ખેલૈયાઓના હાથમાં અપાય છે .દોરીને જુદા જુદા રંગના કાપડના લાંબા ચીરા લઈને પણ દાંડી રમતાં રમતાં તેનો ગોફ ગૂંથી મહિલાના ચોટલા જેવો આકાર બને છે. ગૂંથણી એ આ નર્તનનું મહત્વનું અંગ છે. આ રાસમાં પ્રારંભે આ નૃત્ય ધીમી ગતિએ ત્યાર બાદ ઝડપથી ચલતી પકડીને વળી પાછી મંદ ગતિ સાધે છે. કેટલીક કોમમાં બેઠા બેઠા અને અંતે સુતા સુતા અઠંગો ગંઠાય છે ત્યારે ગતિ મંદ થાય છે. બેઠક ફૂદડી અને ટપ્પા પણ લેવાય છે. સૌરાષ્ટ્રમાં ભરવાડોનો ‘અઠંગો’ વિશેષ પ્રચલિત છે. ગોફ ગૂંથન સોળંગો રાસ કણબીઓમાં પણ પ્રચલિત છે. રાસમાં કલાધરની છટા, તરલતા, સ્ફૂર્તિ અને વીજળીક વેગ અસાધારણ હોય છે.