આજથી 17 હજાર વાજબી ભાવના દુકાનદારોની રાજ્યવ્યાપી હડતાલ
ચાલુ મહિને રાશનકાર્ડધારકો તેલ-ખાંડ અને અનાજની વંચિત રહેશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અનાજમાં ઘટ, કમિશન સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં આખરે વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે બાંયો ચડાવી છે. એટલુ જ નહીં, શુક્રવારથી 17 હજાર દુકાનદારોએ રાજ્યવ્યાપી હડતાલનુ એલાન કર્યુ છે જેના પગલે શ્રાવણના તહેવારોમાં ગરીબ રેશનકાર્ડધારકો તેલ,ખાંડ અને અનાજથી વંચિત રહી જશે તેવી સ્થિતી પરિણમી છે. જોકે, દુકાનદારો અને સરકાર વચ્ચેના વિખવાદમાં ગરીબ કાર્ડધારકોનો મરો થયો છે.
વ્યાજબી ભાવના દુકાનદારોની રજૂઆત છેકે, અસહ્ય મોઘવારીમાં ઓછા કમિશનને કારણે દુકાનદારોને ઘરનિર્વાહ કરવું પોષાય તેમ નથી. ગુજરાત કરતાં અન્ય રાજ્યમાં વ્યાજબી ભાવના દુકાનદારોને વધુ કમિશન ચૂકવવામાં આવે છે.વિધાનસભાની ચૂંટણી અગાઉ પણ વ્યાજબી ભાવના દુકાનદારોએ હડતાલ પાડી હતી ત્યારે પણ મિશન વધારવા માટે સરકારે ખાતરી આપી હતી પણ હજુ ન સુધી કોઇ ઉકેલ આવી શક્યો નથી. મંત્રી- પુરવઠા વિભાગના અધિકારીઓ એક જવાબ આપી રહ્યા છેકે, નાણાં વિભાગની મંજૂરી મળતાં જ કમિશનમાં વધારો કરવામાં આવશે. માત્ર કોણીએ ગોળ ચોંટાડીને દુકાનદારો સાથે માત્ર વાયદાબાજી કરવામાં આવી રહી છે.
સાથે સાથે 50 કિલોની અનાજની બોરી દીઠ ત્રણ-પાંચ કિલોની ઘટ આવે છે જે દુકાનદારોને પોષાતુ નથી. પુરવઠા વિભાગ અનાજની ઘટને બદલે વળતર આપવા ઇચ્છુક જ નથી. દુકાનદારોનો આરોપ છેકે, ઓનલાઇન સિસ્ટમ પાછળ અત્યાર સુધી કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો છે તેમ છતાંય વારંવાર સર્વર ખોટકાઇ રહ્યુ છે જેથી દુકાનદારો ઉપરાંત કાર્ડધારકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
રાજ્યવ્યાપી હડતાલને કારણે લાખો કાર્ડધારકોને ખાંડ,તેલ,અનાજ નહી મળે તેવી સ્થિતી પરિણમી શકે છે. પુરવઠા વિભાગના અધિકારીઓ લાયસન્સ રદ કરવા સુધીની ચિમકી આપી હોવા છતાંય દુકાનદારોને ચલણ ભર્યા નથી. અનાજનો જથ્થો જ ઉપાડ્યો નથી. દુકાનદારોનું કહેવુ છેકે, આ વખતે રાજ્ય સરકાર પ્રશ્ન નહીં ઉકેલે ત્યાં સુધી વ્યાજબી ભાવની દુકાનોએ ખંભાતી તાળા લાગેલા રહેશે. દુકાનદારો અનાજ વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે. પુરવઠા વિભાગ અને વ્યાજબી ભાવના દુકાનદારો વચ્ચેની મડાગાંઠમાં ગરીબ રેશનકાર્ડ ધારકોની કફોડી દશા થઇ છે.