કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક બાળકીનું મોત તો હિટ એન્ડ રનની ઘટના પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત
ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ તરફ રાજ્યમાં વધતા જતાં બનાવો વચ્ચે વધુ ત્રણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમરેલી-સાવરકુંડલા રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક બાળકીનું મોત થયું છે. આ તરફ વેરાવળના લાટી ગામે હિટ એન્ડ રનની ઘટના પોલીસકર્મીનું મોત તો મહીસાગરના લુણાવાડાના હડોડ ગામ પાસે અકસ્માતમાં મહિલાનું કરુણ મોત થયું છે.
- Advertisement -
ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું મોત
અમરેલી-સાવરકુંડલા રોડ કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ બોરાળા ગામેથી કેરાળા ગામે જતા પરીવારને અકસ્માત નડ્યો હતો. જેમાં 2 બાળકી અને 1 મહિલા સહિત બાઈકચાલકને ઇજાઓ પહોંચી હતી. જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું મોત થયું છે. આ તરફ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
અકસ્માતમાં પોલીસકર્મીનું ઘટનાસ્થળે મોત
વેરાવળના લાટી ગામે હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માતમાં પોલીસકર્મીનું ઘટનાસ્થળે મોત થયું છે. વિગતો મુજબ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI એ.કે.રાઠોડ બાઇક લઈને સુત્રાપાડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા કાર ચાલકે તેમણે અડફેટે લેતા ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે હવે પોલીસે અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
બાઈક સવાર દંપતિને નડ્યો અકસ્માત
મહીસાગરના લુણાવાડાના હડોડ ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ બાઇક પર જઈ રહેલ દંપતિને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 40 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ તરફ પતિને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા.



