આશરે 3 કિલો જેટલું સોનું હોવાની ચર્ચા: એ ડિવિઝન પોલીસ મથકે મામલો પહોંચ્યો, હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી
ફરાર થયેલા કારીગરમાં એકનું નામ અફઝલ અલી અને બીજાનું નામ અશરફ અલી હોવાની ચર્ચા
- Advertisement -
અવાર-નવાર બંગાળી કારીગરો સોનું લઈ ફરાર થતા હોય, ત્યારે વધુ એક વાર મોટી કિંમતના સોનાંની ચોરી થતા વેપારીઓમાં ચિંતાનું મોજું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં સોની વેપારીઓનું આશરે રૂ.2 કરોડની કિંમતનું સોનું લઈ બે બંગાળી કારીગર ફરાર થઈ ગયા છે. આશરે 3 કિલો જેટલું સોનું હોવાની ચર્ચા થઈ રહી છે. આ મામલો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે પણ હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી. અવાર નવાર બંગાળી કારીગરો સોનું લઈ ફરાર થતા હોય, ત્યારે વધુ એક વાર મોટી કિંમતનું સોનું જતા વેપારીઓમાં ચિંતા સાથે સોની બજારમાં ચકચાર મચી છે. ફરાર થયેલા કારીગરમાં એકનું નામ અફઝલ અલી અને બીજાનું નામ અશરફ અલી હોવાની ચર્ચા થઈ રહી છે. જેને પગલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ અંગે મળતી વિગત મુજબ, રાજકોટ સોની બજારના મોટા ગજાના સોની વેપારીઓનું 2 કરોડની કિંમતનું સોનુંં લઈ બે બંગાળી કારીગર ફરાર થઇ ગયા છે. અફઝલ અલી અને અશરફ અલી સોની વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં સોનું લેતા અને ઘરેણાના ઘાટ ઘડી આપતા હતા. ગઈકાલે સાંજે એ. ડિવિઝન પોલીસ સમક્ષ આ મામલો પહોંચ્યો હતો.
- Advertisement -
જે પછી એક ટીમ પશ્ર્ચિમ બંગાળ તપાસમાં ગઈ છે. કુલ 3 કિલો સોનું છે જેમાં મોટા ભાગનું એક જ વેપારીનું સોનું છે. બાકી નાના પ્રમાણમાં બીજા કેટલાક વેપારીઓનું પણ સોનું છે. હજુ કેટલાક વેપારીઓ સામે પણ ન આવ્યા હોય તેવું પણ બની શકે છે. પોલીસે આજે વેપારીઓને બિલ રજૂ કરવા જણાવ્યું છે. જેથી સત્તાવાર આંકડો હવે સામે આવી શકે છે.
કારીગરો વ્યાજના ચક્કરમાં ફસાયાની ચર્ચા
વ્યાજખોરી માટે રાજકોટ જાણીતું છે. અહીં સમયાંતરે વ્યાજખોરોના ત્રાસના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે પશ્ર્ચિમ બંગાળથી રાજકોટ આવી સોનાના દાગીનાનું ઘડામણ કરતા કારીગરો પણ વ્યાજે રૂપિયા લેતા હોય છે. હાલ સોની વેપારીઓમાં ચર્ચા છે કે જે બે કારીગર ભાગી ગયા છે તે વ્યાજના ચક્કરમાં ફસાયા હતા.
પોલીસ બંગાળી કારીગરોના આઈકાર્ડ ક્યારે ઈશ્યુ કરશે ?
થોડા સમય પહેલા જ સોની બજારમાંથી અલકાયદા સાથે જોડાયેલા ત્રણ આતંકી પકડાયા બાદ સોની બજારમાં ફફડાટ ફેલાયો હતો તે સમયે સોની બજાર એસો.ની રજૂઆતના આધારે પોલીસ કમિશનરે નિર્ણય લીધો હતો કે, બંગાળી કારીગરોને એસઓજીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત થશે. પરંતુ આજ દિન સુધી હજુ અમલવારી નથી થઈ. ત્યારે સવાલ એ થાય કે, પોલીસ બંગાળી કારીગરોના આઈકાર્ડ ક્યારે ઈશ્ર્યુ કરશે ?