આપણા દેશમાં ભાઈ-બહેનની પ્રીતના પ્રતીકસમા મુખ્ય બે તહેવારો ઊજવાય છે. એક રક્ષાબંધન અને બીજો ભાઈબીજ. શ્રાવણી પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરું મહત્ત્વ ધરાવે છે. આ દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે. ભાઈ- બહેનની પ્રીતનું પવિત્ર મિલન એટલે પરાક્રમ, પ્રેમ તથા સાહસ અને સંયમનો સહયોગ. ભોગ કાં તો સ્વાર્થના પડછાયાથી અંકિત થયેલા જગતના સઘળા સંબંધોની વચ્ચે નિઃસ્વાર્થ અને પવિત્ર એવી ભાઈ- બહેનની સાચી પ્રેમસગાઈ એ જાણે ખારા સમંદરની વચ્ચે સાંપડતી કોઈક મીઠી વીરડી જેવી આશ્ચર્યકારક ઘટના છે.
રક્ષાબંધન સાથે જોડાયેલી કથાઓ
- Advertisement -
હિંદુ શાસ્ત્રો તથા પુરાણોમાં રક્ષાબંધન વિશે અલગ અલગ કથાઓ વર્ણવેલી છે. એક કથા એવી છે કે સૌપ્રથમ સૂર્યદેવની પુત્રી તથા યમરાજાની ભગિની યમીએ (હાલની યમુના નદી) પોતાના વીરા યમરાજાની રક્ષા કાજે રાખડી બાંધી હતી. અન્ય એક કથામાં એવું છે કે શ્રી શનિદેવની પનોતી તથા કોપથી બચવા લક્ષ્મીજીએ શનિદેવને પોતાનો ભાઈ બનાવીને રાખડી બાંધી હતી ત્યારથી રક્ષાબંધનની શરૂઆત થઈ હશે એવું મનાય છે. દ્રૌપદીએ પણ ભગવાન શ્રીકૃષ્ણના હાથે બાલ્યાવસ્થામાં રાખડી બાંધી હતી અને રાખડીનું કર્જ ચૂકવવાના હેતુથી જ્યારે ભરસભામાં દ્રૌપદીની લાજ કૌરવો દ્વારા લૂંટાતી હતી ત્યારે ભગવાને 1008 સાડીઓ દ્રૌપદીને પહેરાવીને તેની લાજ લૂંટાતી બચાવી હતી.
ઈન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઈન્દ્રના હાથે રક્ષા બાંધી
મહાભારતના યુદ્ધમાં નાનકડો અભિમન્યુ કૌરવો સાથે યુદ્ધ કરવા પ્રયાણ કરે છે ત્યારે અભિમન્યુના જીવનની રક્ષા કાજે કુંતા માતા અભિમન્યુનાં ઓવારણાં લઇને તેના હાથે રાખડી બાંધે છે અને કુંતા માતા બાળ અભિમન્યુને પાણી ચઢાવતાં ગાય છે કે `કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે લોલ…’ એ અલગ બાબત છે કે કૃષ્ણ ભગવાને છળકપટથી અભિમન્યુના હાથેથી રાખડી છોડાવી નાખી હતી અને અંતે અભિમન્યુ મૃત્યુને ભેટ્યો હતો. મેવાડની રાણી કર્માવતીએ પણ હુમાયુને અલાઉદ્દીન ખીલજીના ત્રાસમાંથી મુક્તિ અપાવવા રાખડી મોકલાવી પોતાનો ભાઈ બનાવ્યો હતો. તો સામે પક્ષે હુમાયુએ પણ બહેનની મદદ કરવા મેવાડ તરફ પૂરતી ફોજ મોકલી આપી હતી.
- Advertisement -
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે લોલ..
જ્યારે આપણા દેશ પર દુશ્મન રાજ્યો ચઢાઈ કરે છે ત્યારે આપણા ફોજી જવાનો દુશ્મનને લલકારવા તત્પર હોય છે ત્યારે તેમનો ઉત્સાહ જાળવી રાખવા તથા તેમના પ્રાણની રક્ષા કાજે સરહદ વિસ્તારમાં રહેતી બહેનો વીર જવાનોના કપાળમાં કુમકુમ તિલક કરી, આરતી ઉતારી, તેમના હાથે પવિત્ર રક્ષા બાંધી હસતા મુખે યુદ્ધ લડવા વિદાય આપે છે. વેદોમાં દેવ-અસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિત્તે ઈન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઈન્દ્રના હાથે રક્ષા બાંધી હતી તેવો ઉલ્લેખ છે.
બળેવ
રક્ષાબંધનને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. બળેવનું પર્વ બ્રાહ્મણો માટે ખૂબ જ મહત્ત્વનું પર્વ છે. આજના દિવસે તમામ બ્રાહ્મણો સમૂહમાં ભેગા થઈને નદીકિનારે જૂની યજ્ઞોપવીત બદલીને નવી યજ્ઞોપવીત ધારણ કરે છે તથા હેમાદ્રી સ્નાન કરે છે. કહેવાય છે કે આ યજ્ઞોપવીતમાં એવી શક્તિ છે કે ભૂત, પિશાચ કે આસુરી તત્ત્વો પણ આ યજ્ઞોપવીતથી દૂર ભાગે છે. અગાઉના રાજા-મહારાજાઓ પણ બ્રાહ્મણોનું ખૂબ જ માન-સન્માન કરીને દાન-દક્ષિણા આપી બ્રાહ્મણ દેવતાઓના આશીર્વાદ મેળવતા હતા. ચોર, લૂંટારા કે બહારવટિયાઓ પણ બ્રાહ્મણોને ક્યારેય પણ કનડતા ન હતા.
નારિયેળી પૂનમ
રક્ષાબંધનને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે નારિયેળીનું ફળ પાકીને ખાવાયોગ્ય બને છે. સાગરખેડુઓ, માછીમારો તથા મરજીવાઓ સાગરની અબીલ, ગુલાલ, કંકુ તથા નારિયેળથી પૂજા કરે છે. આજના દિવસે દરિયામાં પુષ્કળ ભરતી આવે છે. આમ, રક્ષાબંધન, બળેવ કે નારિયેળી પૂનમનું પર્વ ભાઈ-બહેનથી લઈ, બ્રાહ્મણો, સાગરખેડુઓ તથા મરજીવાઓ તમામ માટે ખૂબ જ મહત્ત્વનું પર્વ છે.