બે વર્ષથી લાભાર્થીઓને ફ્લેટ ન મળતા આમથી તેમ રઝળી પડ્યા
ફ્લેટના 24 લાખ ભર્યા પરંતુ તેની કિંમત 18 લાખ થઈ જ્યારે તેની બાકી રહેતી 6 લાખ રકમ મળી ન હોવાથી શિવશક્તિ હાઉસિંગ સોસાયટીના ફ્લેટધારકોએ કરી માગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ઈસ્કોન મંદિર પાછળ આવેલા રૂડાની શિવશક્તિ કો- ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના ફ્લેટ ખરીદવા માટે ફ્લેટધારકોએ 24 લાખ ભર્યા હતા.
જ્યારે તેની કિંમત ઘટતા 18 લાખ થયા પરંતુ લાભાર્થીઓને 6 લાખ પરત હજુ મળ્યા નથી અને ફ્લેટ પણ મળ્યો નથી. આવા 54 લાભાર્થીઓએ આજે મહાનગરપાલિકાના કમિશનર અને રૂડાના ચેરમેન આનંદ પટેલને આ કેસનો તાત્કાલિક નીવેડો લાવવા માટે રજૂઆત કરી છે. રાજકોટમાં રૂડાએ બનાવેલા આવાસોની ફાળવણી અને આવાસોની કિમત ઘટાડ્યા પછી પરત આપવાના થતાં રૂ. 6 લાખની વાતમાં સંબંધીતોની સંતાકૂકડીથી નારાજ ફ્લેટધારકો સોમવારે કાલે રૂડાના ચેરમેન (મ્યુનિસિપલ કમિશનર) સમક્ષ યોગ્ય કરવાની માંગ કરી હતી. આ બાબતે મળતી વિગતો મુજબ ‘રૂડા’ દ્વારા ટીપી-9 (મુંજકા મોટામવા) ફાઈનલ પ્લોટ નં.20/એ, ઈસ્કોન મંદિર પાછળ ડેકોરા વેસ્ટ હિલની પાસે, હરિ કીર્તન હોલ પાસે 13 માળની 192 એમ.આઈ.જી પ્રકારના આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2020માં આ આવાસો માટેનો પ્રથમ ડ્રો યોજાયો હતો, તા.31 ડિસેમ્બર 2021 સુધીમાં આ આવાસોનો લાભાર્થીઓને કબજો આપવાની વાત હતી.
કોઈ લેવાલ ન મળતા બીજી વખત પણ આ આવાસ યોજનાનો ડ્રો થયો અને કુલ 54 લાભાર્થીને ફ્લેટ લાગ્યાં જો કે, બે વર્ષ સુધી તેનો કબજો ‘રૂડા’ આપી શક્યું ન હતું. હવે આ વિસ્તારમાં કોર્પોરેશનની હદમાં ભળી ગયો છે. ફ્લેટધારકો કહે છે કે આ આવાસ યોજનાને શિવશક્તિ કો- ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી’ નામ આપવામાં આવ્યું છે, અહીના આવાસધારકો કહે છે કે, બે વર્ષથી તેઓ પોતાના ફ્લેટ મેળવવા આમથી તેમ રઝળી રહ્યા છે પણ બધાને સત્તાધીશો જવાબદારી બાબતે “સંતાકૂકડી અને ખોખો” રમતા હોવાનો અનુભવ થાય છે. ઉલ્લેખનીય છે કે, 12 – એપ્રિલ- 2023માં જનરલ બોર્ડ બેઠક્માં આ આવાસ યોજનાનો કબજો ફ્લેટધારકોને સોંપી દેવા 6 લાખ પરત માટે ની વાત થઇ હતી પરંતુ હજુ સુધી તેની સોંપણી કરવામાં આવી નથી. સત્વરે આવાસના કબજાની સાથોસાથ લેણા નિક્ળતાં રૂ.6 લાખ પરત આપવા લાભાર્થી ફ્લેટધારકોની માગણી છે.