ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ડેંગ્યુના કારણે માત્ર બે દિવસની સારવાર બાદ ચાર વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. આ માસુમ પુત્રીની આંખોનું પરિવારે દાન કરતા અત્યાર સુધીના સૌથી નાના બાળકના ચક્ષુદાનનો કિસ્સો નોંધાયો છે. ચાંદીના કારખાનામાં મજૂરી કામ કરતા યુવાને માત્ર ગણતરીના કલાકોમાં આ નિર્ણય લઇ એક વ્યક્તિના જીવનમાં અજવાસ ફેલાવી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ભાવનગર રોડ પર રાજમોતી ઓઇલ મિલ પાસે મયુરનગર શેરી નં.3માં રહેતા મનીષભાઇ ખીમજીભાઇ બદરખીયાએ જણાવ્યું હતું કે,ગત સોમવારે તેમની ચાર વર્ષની પૌત્રી રિયા ચેતનભાઈ બદરખીયા રમતા-રમતા અચાનક તાવમાં પટકાતા તેમનો રિપોર્ટ કરાવ્યો હતો.તેમને ડેંગ્યુ પોઝિટિવનો રિપોર્ટ આવતા મજૂરી કામ કરતા પરિવારે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી.
આ માસુમ પૌત્રી રિયાના કાઉન્ટ ઘટી જતા સિવિલ હોસ્પિટલના તબીબે તેમને આઇસીયુમાં દાખલ કરી ઓક્સિજનના બાટલા ચડાવવા સહિતની સારવાર કરી હતી.પરંતુ સારવાર કારગત ન નિવડતા બુધવારે સવારે માસુમ રિયાનું મૃત્યુ નિપજયુ હતું. અચાનક આવેલા આધાતમાં પરિવારે માસુમ રિયાની આંખોથી અન્ય એક વ્યક્તિના જીવનમાં રોશની થઈ શકે તેવો વિચાર કરી ચક્ષુ દાન કરાવ્યું હતું.
રાજકોટમાં 4 વર્ષની બાળકીનું ડેન્ગ્યુથી મૃત્યુ, પરિવારે વ્હાલસોયીની આંખોનું કર્યું દાન
