ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ છે.જ્યારે વેરાવળ શહેરના સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગોમાં અપૂરતા ડોક્ટરો હોય, જેનાથી લોકોને આર્થિક અને શારીરિક રીતે ખુબજ મુશ્કેલીઓ ઉભી થાય છે જેથી સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમાએ આરોગ્ય મંત્રીને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં અપૂરતા ડોક્ટર મુદ્દે રજૂઆત કરી હતી.
વેરાવળ સિવિલ હોસ્પિટલના અનેક વિભાગોમાં અપૂરતા ડોક્ટરો છે, ખાસ કરીને એમડી, બાળ નિષ્ણાંત અને ચામડીના રોગો માટે અત્રેના જિલ્લાના લોકો ખુબજ હેરાન-પરેશાન થાય છે. હાલ અવનવી કુદરતી આફતો/હોનારાતોના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ ખુબજ લથળી ગયેલ છે, ત્યારે સિવિલ હોસ્પિટલના અનેક વિભાગોમાં અપૂરતા ડોક્ટરોના કારણે લોકોને પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર માટે જવું પડે છે જેના કારણે ગરીબ મધ્યમ વર્ગના લોકોને આર્થિક રીતે ખુબજ અગવડ પડે છે. માટે ગિર સોમનાથ જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરિયાત મુજબ એમ.ડી.ડોક્ટર, બાળ વિભાગના ડોક્ટર અને ચામડીના ડોક્ટર તથા જરૂરિયાત મુજબના અપૂરતા ડોક્ટરોની તાત્કાલિક ધોરણે નિમણૂક કરવા અંગે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ગાંધીનગર ખાતે રૂબરૂમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને મુલાકાત લઈ રજૂઆત કરી હતી.