– ‘‘હેરિટેજ ફોટો વોક’’ કાર્યક્રમમાં 75 કલાપ્રેમીઓએ ભાગ લીધો
વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ટેક રાજકોટ ચેપ્ટર અને કલા કલેક્ટિવ દ્વારા રાજકોટ શહેરની કલામાં જીવંત, સમૃદ્ધ અને ડિઝાઇન સમુદાયને વિકસાવવાના આશયથી ‘‘હેરિટેજ ફોટો વોક’’નું આયોજન કરાયું હતું, જેમાં રાજકોટના 75 કલાપ્રેમી નાગરિકો સામેલ થયા હતા.
- Advertisement -
વર્ષ 2021માં શરૂ થયેલ ઇન્ટેક (INTACH) ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ રાષ્ટ્રીય સંસ્થા છે. જે ભારતના વારસાનું જતન અને સંરક્ષણ કરે છે. રાજકોટ ચેપ્ટરના સાંસ્કૃતિક વારસા અંગે જાગૃત કરી રાજકોટની ઐતિહાસિક ભવ્યતાને સામાન્ય લોકો સુધી પહોંચાડવાના ભાગરૂપે ‘‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ’’નિમિત્તે હેરિટેજ ફોટો વોકનું આયોજન કર્યું હતું, જેમાં રાજકોટ શહેરની જૂની ઇમારતો, જુના ગીચતા ધરાવતા રસ્તાઓ અને અદભૂત જાહેર કલાનું અન્વેષણ, રાજકોટ શહેરના ભવ્ય ઇતિહાસના અનેક અદભુત ફોટો કેપ્ચર કર્યા હતા. તેમજ જ્યુબિલી બાગથી બેડી નાકા ટાવર સુધીનો રૂટ અને આ રૂટમાં આવતા તમામ હેરિટેજ સ્થળો જેમકે વોટસન મ્યુઝિયમ, કોનોટ હોલ, લેંગ લાયબ્રેરી, નવ ગ્રહ મંદિર, બેન્ડ સ્ટેન્ડ, ધર્મેન્દ્રસિંહજી કાપડ બજાર, લાખાજીરાજ શાકમાર્કેટ, દાણાપીઠ, જૂનાગઢનો ઉતારો, મોચી બજાર, રૈયાનાકા ટાવર, જૂની હુન્નર શાળા, સોની બજાર, દરબારગઢની હવેલી અને બેડીનાકા ટાવર સહિતની જગ્યાઓને સાંકળી લીધી હતી.
ઇન્ટેક રાજકોટ ચેપ્ટર કન્વીનર આર્કિટેક્ટ રિદ્ધિ શાહના જણાવ્યા મુજબ ‘હેરિટેજ ફોટો વોક’ દ્વારા રાજકોટના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો નાનકડો પ્રયાસ છે. અંતમાં બધા સહભાગીઓ તરફથી રાજકોટની જનતાને એક અપીલ પણ કરવામાં આવે કે રાજકોટ શહેરની ધરોહરની સ્વચ્છતા અને જાળવણીની જવાબદારી જેટલી સરકારની છે તેટલી જ સૌ નાગરિકોની પણ છે’.
આ પ્રોગ્રામના આયોજન માટે ઇન્ટેક રાજકોટ ચેપ્ટરના મેમ્બર્સ ભવ્ય બલદેવ, નૈનેશ વાઘેલા અને વેદાંશી ઢોલરીયા અને કલા કલેક્ટિવના મેમ્બર્સ મંથન સીંરોજા, સ્મિત મહેતા, નૈતિક ત્રિવેદી, સમર્થ માંડવીયા અને ઋત્વિક ફળદુએ જહેમત ઉઠાવી હતી.