પેનલ્ટીને નિયત વ્યાજદરમાં ઉમેરી દેવા પર પણ રોક: વ્યક્તિગત ધિરાણ લેનારની પેનલ્ટી અન્ય શ્રેણીના લોનધારકથી વધુ ન હોવી જોઈએ: અનેક રાહતપૂર્ણ જોગવાઈઓ સાથેની માર્ગદર્શિકા 1લી જાન્યુઆરીથી અમલી બનશે
લોનધારકો પર અનેકવિધ-આડેધડ પેનલ્ટી ઝીંકતી બેંકો માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નવી ગાઈડલાઈન જારી કરી છે. જે અંતર્ગત પેનલ્ટી પર વ્યાજનું વ્યાજ લેવા સહિતના બેંક-નાણાંસંસ્થાનોના કરતૂતો પર રોક લગાવવામાં આવી છે. વ્યક્તિગત લોનધારકો પરનો પેનલ્ટીદર પણ અન્ય લોનધારકોની હરોળમાં જ રાખવાની તાકીદ કરી છે અને એવું સૂચવ્યું છે કે, પેનલ્ટીનો ઉપયોગ કમાણી કે આવક વધારવાના સાધન તરીકે કરવામાં ન આવે.
- Advertisement -
રિઝર્વ બેંક દ્વારા નવી માર્ગદર્શિકા સાથેના સરકયુલરમાં બેંકો તથા નાણાંસંસ્થાઓને લોન પેનલ્ટીના નિયમ પાલન વિશે ખાસ તાકીદ કરવામાં આવી છે. બેંકો દ્વારા પેનલ્ટીને વ્યાજદર સાથે જ જોડી દેવાની પ્રક્રિયાથી લોનધારકોને વ્યાજ પર વ્યાજ ચૂકવવુ પડે છે એટલે આ સીસ્ટમ બંધ કરવાની તાકીદ કરી છે.
1લી જાન્યુઆરી 2024થી આ નવી ગાઈડલાઈન લાગુ થવાની ચોખવટ સાથે રિઝર્વ બેંકે કહ્યું છે કે પેનલ્ટી ચાર્જ પર બેંકો વ્યાજ નહીં વસુલી શકે. જો કે, ચક્રવૃદ્ધિ વ્યાજની સીસ્ટમ પર કોઈ અસર નહીં થાય.
રિઝર્વ બેંકે કહ્યું કે, લોનધારકો લોન ચુકવવામાં વિલંબ કરે કે નિષ્ફળ જાય ત્યારે બેંકો પેનલ્ટી લગાવે છે પરંતુ આ પેનલ્ટી નિયત વ્યાજદરમાં ઉમેરી દેવામાં આવે છે એટલે મૂળ વ્યાજદર જ ઉંચા થઈ જાય છે.
- Advertisement -
પેનલ્ટીની જોગવાઈ લોન-ધિરાણ શિસ્ત જળવાઈ શકે તે માટેની જ હોવાનો ગર્ભિત ઈશારો કરતા આરબીઆઈએ એમ કહ્યું કે જુદી-જુદી બેંકો આડેધડ નિયમો લાગુ પાડે છે. બેંકો નિયત વ્યાજદરમાં પેનલ્ટી રૂપે વધારો ન કરી શકે. નવી ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન કરવુ પડશે. લોન પેનલ્ટી માટે નિયત નીતિ ઘડવાની પણ તાકીદ કરી છે.
લોન પેનલ્ટી ચાર્જ પણ વ્યાજબી અને વ્યવહારુ રાખવાની સૂચના સાથે એમ કહેવાયુ છે કે બિઝનેસ સિવાયની વ્યક્તિગત લોનમાં પણ પેનલ્ટી ચાર્જ અન્ય પ્રકારની લોનના ચાર્જ કરતા વધવો ન જોઈએ.
લોન કરારમાં પેનલ્ટી ચાર્જ અને તેની માત્રા વિશે પણ ગ્રાહકોને પારદર્શક માહિતી આપવા કહેવાયુ છે એટલું જ નહીં, લોન નિયમોના ભંગ વિશે ગ્રાહકોને જાણ કરવામાં આવે ત્યારે પણ લાગુ પડતા પેનલ્ટી ચાર્જ વિશે જાણ કરવામાં આવે. પેનલ્ટી ઝીંકવાનું કારણ પણ દર્શાવવામાં આવે.