મોરબી જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યાએ ધ્વજવંદન કરીને ત્રિરંગો લહેરાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારાની દેવ કુંવરબા સંકુલ ખાતે અનેરા ઉત્સાહ સાથે જીલ્લા કક્ષાના 77 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અહીં મોરબી જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યાએ ધ્વજવંદન કરીને ત્રિરંગો લહેરાવ્યો હતો અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય, આયોજન, શિક્ષણ, પોલીસ, સમાજ કલ્યાણ, પાણી પુરવઠા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પીજીવીસીએલ, પુરવઠા સહિતના તમામ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ થયેલા જન કલ્યાણના કામોની પણ છણાવટ કરવામાં આવી હતી તેમજ આ ઉજવણીમાં કલેકટરે મહિલા પોલીસ સહિતના જવાનોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
- Advertisement -
આ ઉપરાંત સ્વતંત્રતા દિવસના પર્વ નિમિતે લોકોને દેશ ભક્તિના રંગે રંગી દે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ આપીને કલેક્ટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં તમામ 375 ગામડાઓમાં ગ્રામિણ કક્ષાના કાર્યક્રમની 10 ઓગસ્ટે ઉજવણી કરવામાં આવી છે અને આગામી 17 ઓગસ્ટે તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમો યોજાનાર છે જ્યાંથી કળશમાં માટી એકત્ર કરી મોરબી જિલ્લામાંથી પાંચ કળશ દિલ્હી ખાતે લઈ જઈ કર્તવ્ય પથ પર અમૃત વાટિકામાં અર્પણ કરવામાં આવશે.
આ પ્રસંગે તેમણે સરહદ પર તૈનાત જવાનોને પણ યાદ કરી તેમને વંદન કર્યા હતા. આ કાર્યક્રમમાં કલેક્ટર જી. ટી. પંડ્યા, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સહીત જિલ્લાના પદાધિકારી/અધિકારીઓ, પોલીસના જવાનો, જિલ્લા તેમજ ટંકારાના નાગરિકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.