ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢની ડો. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ અને જૂનાગઢ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને વોર્ડ નંબર 10 કોર્પોરેટર શ્રીઆરતીબેન જોશી, પૂર્વ ડે.મેયર શ્રીદિવાળીબેન પરમાર, દબાણ અધિકારી સોન્દરવા ,સેનેટરી ઇન્સ્પેક્ટર રાજેશભાઈ ઠક્કર અને અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કોલેજના આચાર્યશ્રી ડો.બલરામ ચાવડાએ કર્યું હતું. અને પ્રારંભિક ભૂમિકા રૂપે વકતવ્ય આપતા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશ માટે શહીદી વહોરનાર સ્થાનિક સ્વાતંત્ર્ય સૈનિકોની ભૂમિકા,સ્ટેટ પોલીસ ફોર્સની શહીદીને યાદ કરી એમના પરિવારોને સન્માન આપવાની વાત કરી હતી.ત્યાર બાદ કોલેજની એન.એસ.એસ.ની વિદ્યાર્થીઓ દ્રારા નજીકની ગ્રામ પંચાયતમાં 75 વૃક્ષો રોપી ‘અમૃતવાટિકા’ ઊભી કરવાનુ જે આયોજન છે,તેની તકતી જાહેરમાં મૂકવામાં આવી હતી.કોલેજની તમામ ઉપસ્થિત સ્ટાફ અને વિદ્યાર્થીની બહેનોએ હાથમાં માટી લઈ કુંભમાં પધરાવી હતી અને સહુએ પ્રતિજ્ઞા લીધેલ કે ‘હું ભારત દેશને વિકસિત દેશ બનાવીશ, ગુલામીના વિચારોમાંથી ભારતને બહાર કાઢીશ,સમૃદ્ધ વારસાનો માટે ગર્વ કરીશ,દેશની એકતા અને એકસૂત્રતા માટે નાગરિકોની તમામ ફરજોનું પાલન કરી તથા શહીદો વીરોનું સન્માન કરીશ અને 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટેનું વાણી વર્તન અને વ્યવહાર રાખીશ.’