મસાજ પાર્લરના ઓઠા હેઠળ ધમધમતા કૂટણખાના ઉપર તૂટી પાડવા પોલીસને કડક સુચના
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સ્પાના ઓઠા હેઠળ ધમધમતા દેહ વ્યાપારના ગોરખધંધા સામે આકરાપાણીએ થયા છે અને સ્પાની આડમાં કુટણખાના અને હનીટ્રેપ સહિતના કાળા કારોબાર કરનાર સંચાલકોને આવા ગોરખધંધા તાત્કાલિક બંધ કરી દેવા અમૃતિયાએ વિડિયો મારફત કડક સૂચના આપી છે.
- Advertisement -
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વધુ એક વીડિયો જાહેર કરીને મોરબીમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાનાના સંચાલકોને આડેહાથ લીધા હતા અને તેમણે કહ્યું છે કે, મોરબી શહેર અને આજુબાજુમાં 90 જેટલા સ્પા ધમધમે છે એમાંથી અમુક સ્પા જ સાચા છે. બાકી બીજા ઘણા સ્પામાં મસાજના નામે ગોરખધંધા કરવામાં આવે છે. આવા ખોટા સ્પામાં અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે તેમજ બીભત્સ વીડિયો બનાવી યુવાનોને બ્લેકમેઈલ કરીને લાખો રૂપિયા પડાવવામાં આવે છે. આથી ધારાસભ્યએ આવા ગોરખધંધા કરતા તત્વોને તેમની અનૈતિક પ્રવૃત્તિઓ બંધ કરવાની કડક ચેતવણી આપી છે તેમજ એસપીને પણ આવા ગોરખધંધા બંધ કરાવી કડક કાર્યવાહી કરવાની તેઓએ સૂચના આપી હોવાનું જણાવ્યું છે.
આ ઉપરાંત ધારાસભ્ય અમૃતિયાએ સ્પાની આડમાં આવા ગોરખધંધા કરતા સંચાલકોને કડક ચેતવણી આપી છે કે આવા ગોરખધંધા તાત્કાલિક બંધ કરી દેજો નહીંતર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મોરબીમાં માટે રામરાજ્ય જોઈએ છે રાવણરાજ નહિ તેવી ધારાસભ્યએ સ્પષ્ટ વાત કહી હતી. એટલું જ નહીં પણ સ્પાની આડમાં કુટણખાના બંધ કરવા માટે પોલીસને સૂચના આપી હોય પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી કરે તેવા પણ સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા છે.