ખાસ-ખબર સંવાદદાતા
આ વર્ષે અધિક માસ હોવાથી સતત બે મહિના માટે ધાર્મિક મહિનાઓ આવ્યા છે. પહેલા પુરુષોત્તમ મહિનો અને બાદમાં શ્રાવણ માસ આવશે. આ બે મહિના દરમિયાન લોકો વ્રત-એકટાણા કરતા હોય છે. આ બધાના કારણે વેફ્ર્સ, ફરાળી ચેવડો, સાબુદાણા જેવા પેક્ડ ફરાળી નાસ્તાની ડીમાન્ડમાં મોટો વધારો જોવા મળ્યો છે. સ્નેક્સ ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે ફરાળી પેકેજ્ડ ફૂડનું ઓવરઓલ વેચાણ 25-30% જેટલું વધી ગયું છે. પેકેજ્ડ સ્નેક્સ માર્કેટની વાત કરીએ તો રાજ્યનું માર્કેટ અંદાજે રૂ. 10000-12000 કરોડનું છે. જેમાં વેફરનું માર્કેટ રૂ. 2000 કરોડનું છે. એક અંદાજ મુજબ આ બે મહિનામાં ગુજરાતમાં અંદાજે 500-550 કરોડની વેફ્ર્સ અને અન્ય પેકેજ્ડ ફરાળી નાસ્તાનું વેચાણ થશે. ભારતમાં સ્નેક્સ માર્કેટ આશરે રૂ. 60000 કરોડનું છે. ગુજરાતનો શેર 20% આસપાસ હોવાનું જાણકારો માને છે.
ગુજરાતમાં સૌથી વધુ વેફ્ર્સનું ઉત્પાદન કરતી કંપનીઓ વધુ છે જેની દેશભરમાં ડીમાંડ રહે છે. આમાં વેફર સૌથી વધુ ખવાય છે. પરષોત્તમ મહિના પછી શ્રાવણ મહિનો આવશે, સતત બે મહિના ધાર્મિક મહિનાઓ હોવાથી ફરાળી નાસ્તાની માગ ઓર વધશે.