ખાસ-ખબર સંવાદદાતા
હિમાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી ટૂરિઝમ ક્ષેત્ર પર ખરાબ રીતે અસર થઈ છે. શિમલા, મનાલી, ડેલહાઉસી અને મેક્લોડગંજ જેવા પર્યટન સ્થળોએ હાલ તેનું આકર્ષણ ગુમાવ્યું છે. આવી સ્થિતિમાં પ્રવાસીઓને પરત હિમાચલમાં લાવવા માટે પ્રવાસન વિકાસ નિગમ દ્વારા ખાસ મોનસૂન પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. જેના દ્વારા હોટેલના રૂમ બુક કરાવવા પર 50 ટકા સુધીનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
હિમાચલ પ્રદેશ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનએ શનિવારે હોટેલના રૂમના ભાવ પર 50 ટકા સુધી ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. અગાઉ રાજય સરકારે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરમાં ફસાયેલા હજારો પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા.
- Advertisement -
કોર્પોરેશનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એચપીટીડીસી દ્વારા સંચાલિત હોટેલ પર આ ડિસ્કાઉન્ટ તારીખ 15 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. તેમણે કહ્યું કે આટલું મોટું ડિસ્કાઉન્ટ આપીને મુલાકાતીઓના અનુભવને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી સ્ટેકહોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ એમકે સેઠે જણાવ્યું હતું કે તારીખ 7 અને 14 જુલાઈ વચ્ચે ભારે વરસાદ બાદ રાજયમાં પ્રવાસીઓની સંખ્યા લગભગ શૂન્ય થઈ ગઈ છે. પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે અને રસ્તાઓ ખોલવામાં આવી રહ્યા છે. રાજયમાં પ્રવાસીઓનું સ્વાગત છે.