પુરુષોત્તમ માસ વેળાએ રુદ્રવ્રત, નીલવ્રત, પ્રીતિવ્રત સહિતના વિવિધ વ્રત અને દાન ફળદાયી
16 ઓગસ્ટ સુધી ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા અધિક-પુરુષોત્તમ માસનો 18 જુલાઇના મંગળવારથી આરંભ થશે. આ વર્ષે અધિક શ્રાવણને પગલે બે મહિના સુધી મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાન, પૂજા-અર્ચના, વિવિધ પ્રકારના કાર્યક્રમોની વણઝાર જોવા મળશે. 18 જુલાઇથી 16 ઓગસ્ટ સુધી અધિક માસને કારણે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ ભગવાનની પૂજા-અર્ચના અને પછી 17 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી શ્રાવણ માસ હોય શિવ આરાધનાનો મહિમા જોવા મળશે. અધિક-પુરુષોત્તમ માસ વેળાએ રુદ્રવ્રત, નીલવ્રત, પ્રીતિવ્રત સહિતના વિવિધ વ્રત અને દાન-સેવાકાર્ય ફળદાયી માનવામાં આવે છે.
મંગળવારથી અધિક માસના આરંભ પૂર્વે 17મીએ સોમવતી અમાસનો વિશેષ સંયોગ જોવા મળશે. સોમવારે દર્શ-આદિ-હરિયાળી અમાસ, એવ્રત-જીવ્રત વ્રત-જાગરણ, દિવાસો, દીપપૂજા, દરિયાઇ નવું વર્ષ પ્રારંભ, મહાપુણ્યકાળ, કુમાર યોગ, ચિતલાંગી અમાસ સહિતના ધાર્મિક પ્રસંગો, પર્વોની ઉજવણી થશે. આ વર્ષે અધિક માસને કારણે દિવાસો અને દશામા વ્રત આરંભને લઇને મતમતાંતર જોવા મળી રહ્યો છે. તેમ છતાં સોમવારે દિવાસો હોય ઘણા શ્રાદ્ધાળુઓ તે દિવસથી જ દશામા વ્રતનો આરંભ કરશે.
અધિક-પુરુષોત્તમ માસ વેળાએ તિથિ પ્રમાણે વ્રત કરવાનું ભારે મહાત્મ્ય છે. 30 તિથિ પ્રમાણે જુદા જુદા વ્રત અને દાન કરી શકાય છે. પ્રથમ એકમથી પૂનમ સુધીમાં રુદ્રવ્રત, નીલવ્રત, પ્રીતિવ્રત, શિવવ્રત, સોમવ્રત, સુગતિ, વીરવ્રત, ત્ર્યંબકં વ્રત, એકાદશી વ્રત, અહિંસા વ્રત, પ્રદોશવ્રત, શીલવ્રતની ઉજવણી પછી પૂનમે પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરાશે. ત્યારબાદની શેષ 15 તિથિમાં દિપણી વ્રત, દ્રઢવ્રત, બિલ્વવ્રત, વિનાયક વ્રત, નામ પ્રભાકર, સ્કંદ પૂજા, સરસ્વતી વ્રત, શ્યામવ્રત, વિશ્વાનર વ્રત, આનંદ, પરમા, વીર, યદુ, તાપક વ્રત કરવાનું મહત્ત્વ છે.