સંચાલકો મધ્યાહન ભોજનની વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોને ભોજન પૂરું પાડી રહ્યા છે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના 20 જિલ્લામાં મધ્યાન ભોજન માત્ર ઘઉં-ચોખાથી ચાલે છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં 29000 મધ્યાન ભોજનના કેન્દ્રો રામ ભરોસે હોય તેવી હાલતો જોવા મળી રહી છે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં એકપણ પ્રકારનું મધ્યાન ભોજન માટેનું અનાજ પહોચાડવામાં આવ્યું નથી. મધ્યાન ભોજન સંચાલકો પોતે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોને મધ્યાન ભોજન હાલ પુરૂ પાડી રહ્યાં છે.
- Advertisement -
ગુજરાતમાં 29 હાજર મધ્યાન ભોજન કેન્દ્રમાં 45 લાખથી પણ વધુ બાળકો મધ્યાન ભોજન લઈ રહ્યા છે. પરંતુ હાલ મધ્યાન ભોજનની હાલત કફોડી બની હોય તેવી સ્થિતિ જોવા મળી રહે છે. રાજ્યમાં છેલ્લા બે મહિનાથી મધ્યાન ભોજનનું અનાજ પહોચાડવામાં ન આવતા સંચાલકો પણ મુંઝવણમાં મુકાયા છે. પરંતુ હાલ સંચાલકો દ્વારા બાળકોના મધ્યાન ભોજનની વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યુ છે.
ગુજરાત મધ્યાન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર જોષીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં 2 મહિનાથી સરકારે નક્કી કરવામાં આવેલું મેનુ મધ્યાન ભોજનના કેન્દ્રને આપવામાં આવતું નથી. બે મહિનાથી તેલ કે દાળ કેન્દ્રને નથી આપવામાં આવી. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ભોજનથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. દોષનો ટોપલો મધ્યાન ભોજનના કર્મચારીઓ પર નાખવામાં આવે છે.



