મોડર્ન કેન્ટીન, બેડમિન્ટન-વોલીબોલ કોર્ટથી સજજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધરાવતી સરકારી સ્કૂલ, લાખોની ફી વસૂલતી ખાનગી સ્કૂલને પણ ઝાંખી પાડશે
ખાસ-ખબર સંવાદદાતા
હાલ આધુનિક સમયમાં શિક્ષણ ખૂબ જ મોંઘું થઈ ગયું છે. વાલીઓ પોતાની આવકમાંથી મોટા ભાગનો ખર્ચ બાળકોને સારો અભ્યાસ મળી રહે એ માટે કરતા હોય છે. જોકે કેટલાક ગરીબ વર્ગના લોકો પોતાનાં બાળકોને સારી શાળાઓમાં અભ્યાસ કરાવવા સક્ષમ નહીં હોવાને કારણે ભણવાનું છોડાવી દેતા હોવાનું પણ જોવા મળે છે. શહેરનાં અલ્પવિકસિત ગણાતા ભગવતીપરા વિસ્તારમાં મનપા દ્વારા લાખો રૂપિયા ફી વસૂલતી ખાનગી શાળાઓને પણ ટક્કર આપે એવી અદ્યતન હાયર સેક્ધડરી સ્કૂલનું રૂ. 19 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
રાજકોટ મનપા દ્વારા અત્યાધુનિક પ્રાથમિક સ્કૂલો બાદ ભગવતીપરા ખાતે સૌથી મોટી હાયર સેક્ધડરી સ્કૂલની કામગીરી શરૂ કરવામાં આવી છે. નજીવી ફીમાં છાત્રોને ઉચ્ચ શિક્ષણ મળી રહે એ માટે ભગવતીપરા વિસ્તારમાં 29 હજાર ચો.મી.માં રૂ. 19 કરોડનાં ખર્ચે સૌથી મોટી સરકારી હાયર સેક્ધડરી સ્કૂલનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 2000 છાત્રોને અભ્યાસ સહિત સ્પોર્ટ્સની આધુનિક સુવિધા મળતાં ગરીબોનાં બાળકો અભ્યાસની સાથે સ્પોર્ટ્સમાં પણ આગળ વધી શકશે. આ સ્કૂલની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે અને માત્ર 2 મહિના જેટલા ટૂંકા ગાળામાં સ્કૂલનું 20% જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
મનપા દ્વારા સંચાલિત આ અતિઆધુનિક કહી શકાય એવી સ્કૂલમાં કુલ 50 રૂમો પૈકી 29 અદ્યતન કલાસરૂમો હશે. ગરીબ વર્ગના બાળકો અભ્યાસની સાથે રમત-ગમત ક્ષેત્રે આગળ આવી શકે એ માટે ખાસ આ સ્કૂલમાં બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, કબડ્ડી ગ્રાઉન્ડ અને એથ્લેટિક ટ્રેક સહિત વિવિધ સ્પોર્ટ્સની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- Advertisement -
મનપા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી હાયર સેક્ધડરી સ્કૂલમાં 3160 ચો.મી. બિલ્ડિંગ એરિયામાં કુલ 2520 ચોમી બાંધકામ એરિયા હશે, જેમાં કુલ 50 રૂમ પૈકી 29 કલાસ રૂમ, 4 ટોઇલેટ અને 4 વોટરરૂમ હશે તેમજ 2 સ્ટાફ રૂમ, 2એક્ટિવિટી રૂમ, 2 ચિલ્ડ્રન ટોય(રમકડા)રૂમ, 1 અદ્યતન લાઈબ્રેરી, 1 ઈ-લાઈબ્રેરી 1 વિજ્ઞાન પ્રયોગની લેબોરેટરી, આધુનિક કોમ્પ્યુટર સાથે 1 કોમ્પ્યુટર લેબ, 1 કાઉન્સિલ રૂમ, 1 એડમિનિસ્ટ્રેશન રૂમ અને 1 પ્રિન્સિપાલ ઓફિસ સહિત 1 એકાઉન્ટ રૂમ પણ તૈયાર કરવામાં આવશે.