ગીતાંજલી દ્રાક્ષાશ્રવ, ઉસીરસવ અસવ અરીસ્ટા, અસ્વસ્વ બીટવીન, કાલ મેઘસવ અસ્વ, કાન્કાસવ હેલ્થકેર સહિતના નામો લખેલી બોટલો મળી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દારૂની સાથે જ હવે નશીલી સીરપનું સેવન કરવાના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ ગયો હોવાથી પોલીસ માટે નવો પડકાર ઉભો થયો છે. આ સાથે જ સીરપનું યેનકેન નામો સાથે બેરોકટોક વેચાણ કરવામાં આવી રહ્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે ત્યારે પોલીસે હવે દારૂની સાથે જ આ દિશામાં પણ લાલ આંખ કરીને નશાના કારોબાર પર તડાપીટ બોલાવવાનું શરૂ કરતાં વેચાણ કરતા અને સેવન કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
- Advertisement -
આવો જ શંકાસ્પદ સીરપનો જથ્થો ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના હુડકો વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. હાલ આ સીરપમાં આલ્કોહોલનું પ્રમાણ છે કે કેમ તેની ખરાઈ કરવા માટે નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ એ.એન.પરમાર સહિતની ટીમે બાતમીના આધારે હુડકો વિસ્તારમાં આવેલા નાગરિક બેન્ક ચોક પાસે સર્વિસ રોડ પર માધવ કોમ્પલેક્સના પાર્કિંગમાં શંકાસ્પદ રીતે પડેલા પાંચ જેટલા ટ્રકની તલાશી લેતાં તેમાંથી શંકાસ્પદ ગણાતી સીરપની 73275 બોટલો મળી આવી હતી.
આ પછી પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતાં ટ્રકમાંથી ગીતાંજલી દ્રાક્ષાસવ સ્પેશ્યલ હેલ્થકેર આયુર્વેદિકની 11950 બોટલ, ઉસીરસવ અસવ અરીસ્ટા હેલ્થકેર આયુર્વેદિકની 20325 બોટલ, અસ્વસ્વ બીટવીન ધ બ્રેઈન એન્ડ અધર પાર્ટ ઑફ બોડી હેલ્થકેર આયુર્વેદિકની 9150 બોટલ, કાલ મેઘસવ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 21225 બોટલ તેમજ ક્ધકાસવ હેલ્થકેર આયુર્વેદિકની 1000 બોટલ ઉપરાંત ગાર્ગમ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 9625 બોટલ મળી કુલ 73275 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂા.73,27, 500 જેટલી થવા જાય છે. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે તમામ જથ્થો કબજે કરી તેમાં આલ્કોહોલની હાજરી છે કે કેમ તેની જાણકારી માટે નમૂના એફસએલમાં મોકલવામાં આવ્યા છે.
બીજી બાજુ સીરપનો આ જથ્થો ક્યાંથી રાજકોટમાં આવ્યો છે, કોણ લાવ્યું છે, કોને આપવાનો હતો તે સહિતની દિશામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં તાજેતરમાં જ રૂરલ પોલીસે શાપર વેરાવળમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડીને સીરપના નામે નશાકારક પ્રવાહીનો જથ્થો પકડી પાડ્યો હતો ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચે આટલો મોટો જથ્થો પકડ્યો છે ત્યારે રાજકોટમાં મોટાપાયે નશાકારક સીરપનું વેચાણ થઈ રહ્યું હોવાની આશંકા નકારી શકાતી નથી. હવે આટલો જથ્થો કોણે રાજકોટમાં ઉતાર્યો હશે અને કોણ કોણ તેની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.