ખાસ-ખબર સંવાદદાતા
કમ્પ્યુટર, મોબાઈલ સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે અનિવાર્ય સેમિક્ધડક્ટર ચિપ ભારતમાં જ બનતી થાય એ માટે સરકારે કમર કસી છે. કેન્દ્રીય કમ્યુનિકેશન અને આઈટી મિનિસ્ટર અશ્વિન વૈષ્ણવે કહ્યું હતું કે ડિસેમ્બર 2024 સુધીમાં પ્રથમ મેડ ઈન ઈન્ડિયા ચિપ તૈયાર થઈ જશે. અત્યારે દેશમાં ચાર-પાંચ કંપનીઓ ચિપ ઉત્પાદન એકમ સ્થાપવા માટે કામ કરી રહી છે.
અમેરિકી કંપની માઈક્રોને ચિપ ઉત્પાદન માટે ગુજરાતમાં અંદાજે 22500 કરોડ રૂપિયા (2.75 અબજ ડોલર) રોકવાની તૈયારી દાખવી છે. માઈક્રોન સાથે બીજી નાની-નાની 200 સહાયક કંપનીઓ પણ સ્થપાશે, કેમ કે માત્ર એક જ પ્લાન્ટ સ્થાપી દેવાથી માઈક્રોચિપ બની શકતી નથી. માઈક્રોનનો સમાવેશ જોકે જગતની અગ્રણી ચિપ ઉત્પાદક કંપનીઓમાં થાય છે, તેનું ગુજરાતમાં આગમન થાય તો એ બહુ મોટી વાત ગણવી રહી.