ફ્યૂઅલ સરચાર્જ, ઈલેક્ટ્રિક ડયૂટીના નામે બીલમાં વધારો ઝીંકાયો
મહિને 200 યુનિટ વાપરતા ગ્રાહકોએ પ્રતિમાસ રૂ.138 વધુ ચૂકવવા પડ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર વીજળીના દર વર્ષોથી વધતાં નહીં હોવાનો દાવો કર્યા કરે છે, પણ દર વર્ષે પરોક્ષ રીતે સરકારી વીજળીના ભાવમાં વધારો રાજ્યના 1 કરોડ 65 લાખ ગ્રાહકો ઉપર લાદે છે. ગત નાણાકીય વર્ષ 2022-23માં મહિને 200 યુનિટ વાપરતા રહેણાક કેટેગરીના ફક્ત નાના વીજ ગ્રાહકોએ જ દર મહિને અંદાજે રૂ.138 વધારે ચૂકવવા પડયા છે. ટકાવારીમાં જોઈએ તો આ ભાવવધારો 9થી 10 ટકા જેટલો ઊંચો છે. ફ્યૂઅલ એન્ડ પાવર પરચેજ પ્રાઇઝ એડજસ્ટમેન્ટ – એફપીપીપીએ યાને ફ્યૂઅલ સરચાર્જ તથા ઈલેક્ટ્રિસિટી ડયૂટીની રકમમાં થયેલા વધારાને કારણે આ ભાવવધારો નાના ગ્રાહકોને સહન કરવાનો આવ્યો છે.
વર્ષ 2022-23માં રાજ્યમાં મહિને 200 યુનિટ સરકારી વીજળી વાપરતા ગ્રાહકો ઉપર ફ્યૂઅલ સરચાર્જમાં યુનિટદીઠ 60 પૈસાનો અને ઈલેક્ટ્રિસિટી ડયૂટીમાં 9 પૈસાનો વધારો સહન કરવો પડયો છે. આ કેટેગરીના ગ્રાહકો પાસેથી એપ્રિલ-22માં યુનિટે અઢી રૂપિયા લેખે જે કુલ રૂ. 500 ફ્યૂઅલ સરચાર્જ વસૂલાયો હતો, તે એપ્રિલ-23માં યુનિટે રૂ. 3.10ના દરે રૂ. 620 ચૂકવવો પડયો છે, જે યુનિટે 60 પૈસાનો વધારો દર્શાવે છે.
જ્યારે એપ્રિલ-22માં આ રહેણાંકમાં મહિને યુનિટ વાપરતા ગ્રાહકોની કેટેગરીમાં ઈલેક્ટ્રિસિટી ડયૂટી 15 ટકા લેખે રૂ. 197 વસૂલાઈ હતી, તે રકમ એપ્રિલ-23માં વધીને રૂ. 215 થઈ છે, જે યુનિટે 9 પૈસા લેખે કુલ 18 રૂપિયાનો વધારો સૂચવે છે. આમ એપ્રિલ-22માં આ કેટેગરી પાસેથી યુનિટ જે રૂ. 7.55નો ભાવ વસૂલાયો હતો, તે એપ્રિલ-23માં રૂ. 8.24 થયો છે.