અમદાવાદમાં રથયાત્રા દરમિયાન AMCની ગંભીર બેદરકારી આવી સામે, મકાનની બાલ્કની તૂટ્યા બાદ AMCએ જર્જરિત મકાનમાં લગાવી નોટિસ, વીડિયો પણ આવ્યો સામે.
અમદાવાદના દરિયાપુરમાં કડિયાનાકા પાસે ગઈકાલે સાંજે રથયાત્રા દરમિયાન એક મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં રથયાત્રાના દર્શન કરવા બાલ્કનીમાં ઉભેલા લોકો નીચે ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 36 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે.
- Advertisement -
મકાનની બાલ્કની તૂટ્યા બાદ AMCએ લગાવી નોટિસ
દરિયાપુરમાં જર્જરિત મકાનને AMCની ટીમ નોટિસ આપવાનું ભૂલી ગઈ હોવાનું સામે આવ્યું છે. કારણ કે મકાનની બાલ્કની તૂટ્યા બાદ AMCએ મકાન જર્જરિત હોવાની નોટિસ લગાવી હતી. AMCના કર્મચારીનો નોટિસ લગાવતો વીડિયો પણ સામે આવ્યો છે. AMCની બેદરકારીએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. તો જર્જરિત મકાનની બાલ્કની તૂટવાના કારણે 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
AMCના અધિકારીઓનો મેયરે કર્યો બચાવ
વીડિયો સામે આવ્યા બાદ પણ AMCના અધિકારીઓનો અમદાવાદના મેયર કિરીટ પરમારે બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ચોમાસામાં દરેક લોકોને નોટિસ આપવામાં આવતી હોય છે. જર્જરિત મકાનને નોટિસ આપી હતી. રથયાત્રાના રૂટ પર આવતા તમામ જર્જરિત મકાનને નોટિસ આપવામાં આવી હતી. તૂટેલી બાલ્કની જૂના મકાનનો જર્જરિત ભાગ હતો. તેમણે જણાવ્યું કે, વધુ વજન થવાની બાલ્કની ધરાશાયી થઈ હતી. બાલ્કનીમાં ક્ષમતા કરતા વધુ લોકો ઉભા હતા. ગઈકાલે જે બનાવ બન્યો તેમા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બનાવ બાદ નોટિસ અપાઈ નથી.
અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર મકાનની બાલ્કની તૂટવાની ઘટના ખૂબ દુઃખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ તેમજ…
- Advertisement -
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 20, 2023
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો અમદાવાદમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત અને ધાર્મિક વાતાવરણ સાથે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા રંગેચંગે નીકળી રહી હતી. આ રથયાત્રા દરિયાપુર ખાતે પહોંચી હતી. આ દરમિયાન દરિયાપુર વિસ્તારમાં એક મકાનની બાલ્કની એકાએક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રથયાત્રાના દર્શન કરવા બાલ્કનીમાં ઉભેલા લોકો નીચે ખાબક્યા હતા. આ દરમિયાન દરિયાપુરમાં ખીચોખીચ ભરેલી ઘરની બાલ્કનીમાં દબાઈ જતા 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેને લઈને અરેરાટી મચી જવા પામી હતી. જ્યારે 36 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
CM ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું હતું દુઃખ
આ દુર્ઘટના પર સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકના પરિવારજનોને વળતરની જાહેરાત કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર મકાનની બાલ્કની તૂટવાની ઘટના ખૂબ દુઃખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ તેમજ ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.’