તાઉતે બાદ બિપરજોયે ખેડૂતોને કર્યા બરબાદ
ખાસ-ખબર સંવાદદાતા
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગત સપ્તાહે કચ્છના જખૌ બંદર નજીક ત્રાટક્યુ હતું. જો કે આ વાવાઝોડાએ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને ભારે નુકસાન પહોંચાડ્યુ છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયુ છે તેમા પણ ગુજરાતની સૌથી પ્રખ્યાત કેસર કરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. કચ્છમાં વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. અંજારમાં બાગાયતી પાકોમાં વધારે નુકસાન થયું છે. કેરી, દાડમ, ખારેક સહિત પાકોમાં મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ખેડૂતોના પાકને જે નુકશાની થઇ છે તેનું સર્વે કરવા માટે ગુજરાત કિસાન સંઘ પ્રમુખ જગમલભાઈ આર્ય અંજારની મુલાકાત લીધી હતી. વાવાઝોડાથી ભુજ, અંજાર, મુંદ્રા, માંડવી, અબડાસામાં ખેડૂતોને મોટા પ્રમાણ નુકશાન થયું છે.
- Advertisement -
ગુજરાતની કેસર કેરી ફક્ત દેશમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ ખુબ પ્રખ્યાત છે. કેસર કેરી તમામ કેરીની જાતોમાં રાજા છે. બે વર્ષ પહેલા આવેલા વિનાશક તાઉતે વાવાઝોડાને કારણે કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતું. ત્યારે હવે વધુ એકવાર બિપરજોય નામના વાવાઝોડાએ કેરીના ઉભા પાકને બરબાદ કરી દીધો હતો જેને પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે તેમા પણ કચ્છના વિસ્તારના ખેડૂતોમાં વધારે નુકસાન થયુ છે. બિપરજોય વાવાઝોડાને કારણે કેરીના પાકને થયેલા નુકસાનથી ખેડૂતોને પોતાની આજીવિકાની ચિંતા વધી ગઈ છે.
વિનાશક બિપરજોય વાવાઝોડાએ કેરીનો 90 ટકાથી વધુ પાકનો નાશ કર્યો છે. બિપરજોય વાવાઝોડાના કારણે બરબાદ થયેલા પાકને લઈને સ્થાનિક ખેડૂતોનું કહેવુ છે કે હવે આ પાકને કોઈ ખરીનાર નથી કે ન તો નાશ પામેલા કેરીના પાકને ઉપાડવા માટે કોઈ મજૂરો છે. ખેડૂતોના કહેવા મુજબ જે પાકને નુકસાન થયું છે તે વેચવા લાયક પણ બચ્યો નથી. કચ્છની કેસર કેરીની માગ ફક્ત સ્થાનિક કક્ષાએ જ નહી પણ વિદેશોમાં પણ છે. ખેડૂતો સરકાર નુકસાનીનો સર્વે જલદી કરી વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે.