એક જ વર્ષમાં પુસ્તકોમાં 25%નો વધારો
સ્ટેશનરીમાં પણ સરેરાશ 10% ભાવ વધ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઉનાળુ વેકેશન પૂરું થતા જ સ્કૂલો કેમ્પસ ફરી બાળકોની કિલકારીથી ગુંજી ઊઠ્યા છે. ત્યારે વાલીઓએ પોતાના બાળકો માટે સ્ટેશનરી અને પાઠ્યપુસ્તકો વગેરેની ખરીદી કરી રહ્યા છે. જો કે કાગળનાં ભાવમાં અકલ્પનિય વધારો થવા છતાં સરકારી પાઠ્યપુસ્તકોનાં ભાવ યથાવત છે. પરંતુ સ્વાધ્યાયપોથી સહિતનાં મોટાભાગની સ્કૂલોમાં જરૂરી એવા પ્રાઇવેટ પ્રકાશનોમાં 25 ટકા કરતા વધુનો વધારો નોંધાયો છે. તેમજ સ્ટેશનરીની વસ્તુઓ પણ 10 ટકા જેટલી મોંઘી થઈ છે. એક વાલીએ જણાવ્યું હતું કે, પહેલા ધોરણમાં જ મારા પુત્ર માટે 60 હજારનો ખર્ચ થશે, આથી પહેલા ધોરણના ખર્ચથી જ અમારા જેવા મધ્યમ વર્ગના વાલીઓની કમર તૂટી જાય છે.
આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં ધ સ્ટેશનરી ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનનાં સૌરાષ્ટ્રનાં પ્રમુખ અતુલ દક્ષિણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કાગળનાં ભાવમાં તોતિંગ વધારો થયો છે. ગત વર્ષે જે કાગળના ભાવો 65-70 રૂપિયે કિલો હતા તેના ભાવ નવા વર્ષમાં રૂ.105-110 થયા છે. જેને લઈને કાગળને લગતી બધી વસ્તુઓ જેવી કે, નોટબુક, ચોપડા, સ્વાધ્યાયપોથી અને ગાઈડ સહિતની પ્રાઇવેટ પ્રકાશનની વસ્તુઓમાં 20-25 ટકાનો વધારો થયો છે. જે નોટબુક અગાઉ 30 રૂપિયાની હતી તેનાં રૂ. 40 અને 50 રૂપિયાની હોય તેવા ફૂલસ્કેપ ચોપડાનો ભાવ 65 રૂપિયા થયો છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા પાઠ્યપુસ્તકોનાં ભાવો સ્થિર રાખવામાં આવ્યા છે. પરંતુ પ્રાઇવેટ પ્રકાશનોનાં ભાવ વધતા વાલીઓ પર થોડો બોજો વધવો નિશ્ર્ચિત છે. પેન્સિલ, રબ્બર, શાર્પનર અને બોલપેનનાં ભાવમાં પણ 10 ટકા જેવો વધારો થયો છે.
ૠજઝનાં ફેરફાર જેવી વસ્તુઓને કારણે જે પેન્સિલનું પેકેટ 50 રૂપિયામાં મળતું હતું તેના 60 રૂપિયા થયા છે. હાલ જુદી-જુદી સ્કૂલોમાં અલગ-અલગ પ્રાઇવેટ પ્રકાશનનાં પુસ્તકો ફરજિયાત છે. આવા પુસ્તકોના ભાવમાં મોટો વધારો થવાને કારણે હવે વાલીઓને વધુ ખર્ચ કરવો પડશે. જો કે, બાળક ખરેખર હોશિયાર હોય તો આ વધારાનો ખર્ચ પણ લેખે લાગે છે. આમ સરેરાશ કોઈ પણ ધોરણ કે ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોનાં વાલીઓને આગલા વર્ષની તુલનાએ લગભગ 15-20 ટકાનો વધુ ખર્ચ થાય તેવી પૂરતી શક્યતા છે.
- Advertisement -
સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, બેગના ભાવમાં પણ 10%નો વધારો
વધુમાં જાણવા મળ્યા મુજબ સ્ટેશનરી, પુસ્તકો અને ફીની માફક બાળકોના સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, બેગ સહિતની તમામ વસ્તુઓ પાછલા વર્ષની સરખામણીએ 10 ટકા કરતા વધારે મોંઘી થઈ છે. ત્યારે વાલીઓ માટે નવું શૈક્ષણિક વર્ષ ખિસ્સા પર ભાર વધારનારું બની ગયું છે. ખાનગી સ્કૂલોની ફીના કારણે પહેલેથી જ નાણાંકીય ભાર વેઠી રહેલા વાલીઓ માટે સ્કૂલો શરું થતાં પૂર્વેની ખરીદી પણ મોંઘી બની છે. આ કારણે અમુક લોકો તો યુનિફોર્મની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે. જેને ખાસ જરૂર હોય તે લોકો જ યુનિફોર્મ ખરીદી રહ્યા છે. તેમાં પણ પહેલા તો લોકો એકસાથે 2 જોડીની ખરીદી કરતા હતા. પરતું હવે ભાવ વધતા 1 જોડીની ખરીદી કરી રહ્યા છે.