ઈ-મેમો જનરેટ થયાના 90 દિવસ બાદ કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં ચાલશે
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદની મેમોપોલિટન કોર્ટમાં રાજયની સૌ પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટનો પ્રારંભ થયો છે. આ કોર્ટ શરૂ થતા જ હવે ઈ-ચલણની રકમ વાહન ચાલક 90 દિવસમાં ન ભરે તો આપોઆપ તેનું ઈ-ચલન ઈ-ટ્રાફિક કોર્ટમાં પહોંચી જશે.
અમદાવાદ ખાતે શરૂ થયેલ ઈ-ટ્રાફિક કોર્ટમાં પ્રથમ દિવસે જ 9044 કેસો મુકાયા હતાં. અને કલમ 355 મુજબ પ્રોસિડિંગ્સ પણ શરૂ થઈ ગયું હતું. ગુજરાત હાઈકોર્ટના એકિટંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ અને હાઈકોટની આઈપી કમિટીના જ.જીસ અને ચેરપર્સનના માર્ગદર્શન અને મંજુરીના અંતે ગઈકાલે વિધિવત રીતે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટનો સત્તાવાર રીતે પ્રારંભ થયો હતો. ઈ-ટ્રાફિક કોર્ટમાં કેસ પહોંચ્યા બાદ પ્રથમ એસએમએસથી વાહન ચાલકને નોટિસ મળશે જે મળ્યે વાહન ચાલક ઈ-પેમેન્ટ મોડથી તત્કાલ દંડની રકમ ભરી શકશે.
આ ઉપરાંત જો કેસ ચલાવવાની સ્થિતિ આવે તો ઈ-કોર્ટનો સૌથી મોટો ફાયદો એ રહેશે કે, વાહન ચાલકને કોર્ટમાં રૂબરૂ હાજર નહીં રહેવું પડે તે વર્ચ્યુઅલી કોર્ટમાં હાજર થઈ શકશે.સમગ્ર પ્રોસિડિંગ્સ પણ ઓનલાઈન હાથ ધરાશે.