કંપનીએ દેવાળીયા જાહેર કરવા નોટીસ આપતા નવી ચિંતા
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં એકતરફ સતત વધતા જતા એરટ્રાફિક અને ઉંચા ભાડા વચ્ચે પણ છેલ્લા 17 વર્ષથી ચાલી રહેલી લો-કોસ્ટ એરલાઈન ગો-ફર્સ્ટ અચાનક જ ગ્રાઉન્ડેડ થતા ફરી એક વખત ભારતી એવીએશન ઈન્ડસ્ટ્રીઝમાં ‘કિંગફિશર જેટ એરવેઝ’ મોમેન્ટ આવી ગઈ છે. ગઈકાલે આ એરલાઈનની શ્રીનગર-ચંદીગઢ ફલાઈટ જે મુંબઈ શેડયુલની હતી તેને મુંબઈના હવાઈ મથકે ઉતરવા દેવાનો ઈન્કાર કરતા અંતે ઈમરજન્સી તરીકે અમદાવાદ વિમાની મથકે લેન્ડ થયા બાદ હવે આગામી ત્રણ દિવસ માટે ગો-એરની તમામ વિમાની સેવાઓ રદ કરાતા એક તરફ હજારો મુસાફરો રઝળી પડયા છે. બીજી તરફ બોમ્બે ડાઈંગથી મશહુર નુસીલ વાડિયાના નેતૃત્વ હેઠળની આ એરવેઝએ હવે નાદારી માટે અરજી કરતા નવી કટોકટી સર્જાઈ છે. એરલાઈન બિઝનેસમાં ભાજપ બેન્કો અને વિમાની કંપનીઓના કર્મચારીઓને સૌથી વધુ અસર થતી હોય છે અને ગો ફસ્ટના 800 પાઈલોટ તથા 1700 કેબીન ક્રુ અને 900 એન્જીનીયર સહિત 8000 કર્મચારીઓની નોકરી ‘જોખમ’માં મુકાઈ ગઈ છે તો રાષ્ટ્રીયકૃત બેન્ક ઓફ બરોડા અને અન્ય બેન્કોના રૂા.6500 કરોડના ધિરાણ અને અંદાજે રૂા.1000 કરોડના એરફયુલ ચાર્જ તથા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા સહિતની એરપોર્ટ સંચાલન કંપનીઓના નાણા પણ જોખમમાં છે તો સ્ટાફના રૂા.60 કરોડનો પગાર પણ થયો નથી.
હવે આગામી ત્રણ દિવસ પછી શું તે પ્રશ્ર્ન છે. જો ગો-ફર્સ્ટ ઉડી નહી શકે તો અન્ય એરલાઈન્સ ડોમેસ્ટીક વિમાની ભાડામાં મોટો વધારો કરી શકે છે અને ગોફર્સ્ટને ઉડતી રાખવા હાલ રૂા.160 કરોડની તાત્કાલીક જરૂરિયાત છે તે કઈ રીતે મળશે તે પ્રશ્ન છે. ગોફર્સ્ટના 50% વિમાનોમાં એન્જીન સમસ્યા છે. જે મુદે તેને એન્જીન નિર્માતા કંપની સાથે વિચાર સર્જાયો છે.
યાત્રીકોને ટિકીટ બુકીંગના નાણા પરત કરશે એરલાઈન
દેશની બજેટ એરલાઈન ગો-ફર્સ્ટ ગ્રાઉન્ડેડ થતા હવે તમામ ફલાઈટમાં બુકીંગ કરનારને તેમના પુરા નાણા રીફંડ મળશે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જયોતિરાદીત્ય સિંધીયાએ એક મુલાકાતમાં જણાવ્યું કે હાલ તા.3-4-5 એમ ત્રણ દિવસ આ એરલાઈનના સેવા ઉપલબ્ધ થશે નહી પણ જેઓનું બુકીંગ શેડયુલ છે તેઓને જે રીતે ટિકીટ બુક કરાવી હશે તે માધ્યમથી રીફંડ આપી દેવાશે.